ખંભાત તાલુકાના વટાદરા ગામની ઉત્તર દિશામાં દોઢીયાપુરા તરફ્ જતા માર્ગે, પ્રકૃતિની ગોદમાં સ્થિત શ્રી રોકડીયા હનુમાનજી મંદિર – મઢી આજે માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ સદીઓથી ચાલી આવતી શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક શક્તિનું જીવંત કેન્દ્ર બની ચૂક્યું છે.
શાંત, રમણીય અને નયનરમ્ય વાતાવરણમાં સ્થિત આ મંદિર આજેય હજારો શ્રદ્ધાળુ ભક્તોના વિશ્વાસનું મુખ્ય કેન્દ્ર છે.વિક્રમ સંવત 1992ની આસપાસ મોહનદાસ મહારાજ અહીં નિવાસ કરતા હોવાથી આ સ્થળ મોહનદાસની મઢી તરીકે ઓળખાયું. જુનાગઢથી લવાયેલી પવનપુત્ર હનુમાનજીની પાવન મૂર્તિ આદિતરામ જયાશંકર ઉનેવાલ બ્રાહ્મણના કરકમળે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. સંવત 1999, જેઠ સુદ 11ના રોજ અર્પિત કરાયેલી પવિત્ર પાણીની કુઈ આજે પણ આ મઢીની ઐતિહાસિક ઓળખ તરીકે અડગ ઊભી છે.
મોહનદાસ મહારાજના અવસાન બાદ નારાયણદાસ બાપુએ મઢીની ધર્મધજા સંભાળી અને વટાદરા તેમજ કોબીયાવાડ વિસ્તારમાં ભક્તિ અને સંસ્કારનો વ્યાપક પ્રસાર કર્યો.બાદ ચિત્રકુટથી આવેલા સાધુના નેતૃત્વમાં મઢી મંડળની રચના થતાં મંદિરની પ્રવૃત્તિઓને સંગઠિત દિશા મળી. ઈ.સ. 1989માં જાહેર થયેલી ઈનામી યોજના અંતર્ગત તા. 6-2-1991થી મંદિરના નવનિર્માણ તથા જીર્ણોધ્ધારનું કાર્ય શરૂ થયું અને અંદાજે રૂ. 1.50 લાખના ખર્ચે ભવ્ય મંદિરનું નિર્માણ થયું.ક્ષ્શ્રાી રોકડીયા હનુમાનજી મંદિર – મઢી દક્ષિણ મૂર્તિ મંદિર તરીકે વિશેષ માન્યતા ધરાવે છે. ભક્તોમાં એવી દૃઢ આસ્થા છે કે અહીં મનોકામના માટે કરેલી પ્રાર્થનાનો રોકડો જવાબ મળે છે, જેના કારણે દર શનિવારે 4,000થી 5,000 જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. દર્શનાર્થે આવતા ભક્તો માટે અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવે છે.
આ મંદિરના ભવ્ય નવનિર્માણમાં 70થી 80 નવયુવાનો દ્વારા તન, મન અને ધનથી નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવી હતી, જેમાંથી આજે 55થી 60 યુવાનો વિદેશમાં વસવાટ કરે છે. છતાં તેમની આસ્થા અને જોડાણ આજે પણ મઢી સાથે અડગ છે. આજે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર – મઢી વટાદરા ગામની આધ્યાત્મિક ઓળખ બની શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમાજની એકતાનું જીવંત તીર્થધામ બની ઉજળી રહ્યું છે.
દાદાનું રોકડિયા નામ પ્રમાણે કામ
ખંભાત તાલુકામાં આવેલ વટાદરા ગામમાં શ્રી રોકડિયા હનુમાન દાદા બિરાજમાન છે દર શનિવારે દાદાને અવનવા શણગાર કરવામાં આવે છે દર શનિવારે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા પધારે છે શનિવારે સાંજની આરતીમાં દાદાના દર્શન કરવા ગામમાંથી તથા આજુબાજુના ગામમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઑ આવે છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે દાદાનું રોકડિયા નામ પ્રમાણે કામ છે તેથી અહીંના દાદા નું નામ શ્રી રોકડિયા હનુમાન દાદા છે.
