ગીરની સરહદે આવેલા ગામોમાં હવે સિંહોની હાજરી સામાન્ય બની રહી છે, પરંતુ જ્યારે આખેઆખું સિંહ પરિવાર ગામની ગલીઓમાં લટાર મારતું જોવા મળે ત્યારે ફફડાટ ફેલાવો સ્વાભાવિક છે. કોડીનાર તાલુકાના સિંધાજ ગામે મોડી રાત્રે શિકારની શોધમાં 8 થી 9 સિંહોનું ટોળું ઘૂસી આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
મોડી રાત્રે સિંહોનું ‘ગ્રુપ’ ગામમાં ધામા
પ્રાપ્ત વિગતો અનુસાર, સિંધાજ ગામે મધ્યરાત્રિએ શિકારની શોધમાં સિંહોનું એક મોટું ગ્રુપ આવી ચઢ્યું હતું. જેમાં 8 થી 9 જેટલા સિંહો હોવાનું સામે આવ્યું છે. સિંહોની આટલી મોટી સંખ્યામાં એન્ટ્રી થતાં જ ગામના પાદરમાં અને ગલીઓમાં રખડતા પશુઓ અને શ્વાનોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. શ્વાનોના સતત ભસવાના અવાજથી ગ્રામજનો પણ જાગી ગયા હતા.
CCTV કેમેરામાં કેદ થયા લાઈવ દ્રશ્યો
ગામમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ સિંહ પરિવારના આંટાફેરા કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સિંહોનું ટોળું અત્યંત નિરાંતે ગામની ગલીઓમાંથી પસાર થઈ રહ્યું છે.
ગ્રામજનોમાં ભય અને સાવચેતી
એકસાથે આટલી મોટી સંખ્યામાં સિંહો ગામમાં આવી જતાં લોકો હવે રાત્રિના સમયે બહાર નીકળતા ડરી રહ્યા છે. સ્થાનિકોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે જેથી સિંહોને વન વિસ્તાર તરફ સુરક્ષિત રીતે હાંકી કાઢવામાં આવે.ગામના અગ્રણીઓએ લોકોને રાત્રે ઘરની બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત (લોખંડની જાળીવાળા) વાડામાં બાંધવા અપીલ કરી છે.
