કોડીનાર વિધાનસભા પંથકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન એક ગંભીર વિવાદ છેડાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના આશરે 6,722 જેટલા મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે ખોટી રીતે ફોર્મ-7 ભરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે મુસ્લિમ સમાજ લાલઘૂમ થયો છે. આ મામલે કોડીનારના ઈતિહાસમાં પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.
કોડીનારમાં મુસ્લિમ સમાજ લેખિત ફરિયાદ કરી
મુસ્લિમ સમાજના આગેવાનો અને અંદાજે 400 થી વધુ લોકો લેખિત ફરિયાદ સાથે પી.આઈ. વણારકા પાસે પહોંચ્યા હતા. તેમની રજૂઆત મુજબ: ષડયંત્રની આશંકા: SIR (Special Intervention Report) કામગીરી દરમિયાન 47 જેટલા તત્વોએ ભેગા મળીને મુસ્લિમ મતદારોના મતાધિકાર છીનવવા માટે ખોટી રીતે ફોર્મ-7 (નામ કમી કરવા માટેનું ફોર્મ) ભર્યા છે. બંધારણીય અધિકાર: લોકોનો આક્ષેપ છે કે આ સીધો જ બંધારણીય મતાધિકાર છીનવવાનો પ્રયાસ છે અને તેનાથી ચૂંટણી પંચની પારદર્શિતા સામે પણ સવાલો ઊભા થયા છે.
SIR માં ફોર્મ-7ના ગેરઉપયોગનો થયાનો આક્ષેપ
રજૂઆતકર્તાઓએ માંગ કરી છે કે તમામ ફોર્મ-7ની સઘન તપાસ કરવામાં આવે અને વાસ્તવિક મતદારોના નામ કોઈપણ સંજોગોમાં કમી ન થાય. ખોટી અરજી કરનારા 47 તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો દોષિતો સામે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં સમગ્ર પંથકમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હાલમાં આ મામલે કોડીનાર પોલીસ અને ચૂંટણી વિભાગ તપાસ કરી રહ્યા છે, પરંતુ આ ઘટનાને લીધે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
