કચ્છમાં માંડવીનું વહાણ મધદરિયે સળગ્યું હોવાના મહત્વના સમાચાર આવી રહ્યા છે. જો કે રાહતની વાત એ છે કે વહાણમાં સવાર તમામ 16 ખલાસીઓને બચાવી લેવાયા છે.
વહાણ ભડભડ સળગવા માંડ્યું
માંડવીનું વહાણ સોમાલિયા બંદરથી દુબઈ જઇ રહ્યું હતું અને ત્યારે અકસ્માતે વહાણમાં આગ લાગી હતી. આગ પળવારમાં ફેલાઇ જતા વહાણ ભડભડ સળગવા માંડ્યું હતું
તમામ ખલાસી દરિયામાં કૂદી પડ્યા
સુત્રોએ કહ્યું હતું કે અકસ્માતે ફઝેલ રબ્બી નામના વહાણમાં આગ લાગી હતી. જો કે સદનસીબે વહાણમાં સવાર 16 ખલાસીઓને બચાવી લેવાયા હતા. આગ લાગતા તમામ ખલાસીઓએ પોતાની રીતે આગ બુઝાવાના પ્રયાસો કર્યા હતા પણ આગ ઝડપથી ફેલાઇ જતાં તમામ ખલાસી દરિયામાં કૂદી પડ્યા હતા જેમના સ્થાનિક સત્તાવાળાઓએ બચાવી લીધા હતા.
વહાણના એન્જિનનો ટર્બો ફાટ્યો
ભીષણ આગમાં વહાણ સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળે છે. આ વહાણ માંડવીના તબેલા વિસ્તારનું હતું. આ જહાજ થોડા સમય પહેલાં દુબઇથી જનરલ કાર્ગોનો સામમન લઇને સોમાલીયા ખાતે ગયું હતું અને ત્યાંથી તે રીટર્ન આવી રહ્યું હતું ત્યારે 29 તારીખે બપોરે 12 વાગે વહાણના એન્જિનનો ટર્બો ફાટ્યો હતો અને તેના કારણે આગ ફાટી નિકળી હતી.
