મહેમદાવાદ તાલુકાના કરોલી ગામમાં સરકારી તંત્રની બેદરકારી નહીં પરંતુ ખુલ્લી મનમાની અને રેકોર્ડમાં છેડછાડનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
કરોલી ગામના રહેવાસી રમેશભાઈ બુધાભાઈ પરમાર અંગે સરકારી જન્મ-મરણ રજિસ્ટરમાં ચોંકાવનારો કાંડ નોંધાયો છે, જેમાં તેમની જન્મ તારીખ અને મરણ તારીખ બંને 10/09/2022 દર્શાવવામાં આવી છે.
મહેમદાવાદ તાલુકાના કરોલી ગામનો એક ગંભીર બેદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કરોલીના રહીશ રમેશભાઈ પરમારનુ જયારે અવસાન થયું ત્યારે રમેશભાઈ પરમાર આધેડ વયના હતા. તેમજ તેમને સંતાનમાં બે દીકરા તેમજ એક દીકરી છે. છતાં સરકારી દસ્તાવેજોમાં તેમને એક જ દિવસે જન્મેલા અને એ જ દિવસે મૃત જાહેર કરાયા છે, જે સમગ્ર વહીવટી તંત્રની ગંભીર નિષ્ફ્ળતા અને શંકાસ્પદ કામગીરી તરફ્ સ્પષ્ટ ઈશારો કરે છે. આ બાબતે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો જણાવે છે કે અગાઉ કરોલી ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા જે. જે. પટેલ દ્વારા પણ એક વ્યક્તિના જન્મના દાખલામાં ગેરરીતિપૂર્વક ફેરફર કરવામાં આવ્યો હતો. આ ખોટા દાખલાના આધારે તે વ્યક્તિ વિદેશ ઉપડી ગયો હોવાનું સ્થાનિકો દાવો કરે છે. જો આ આક્ષેપ સાચા સાબિત થાય તો આ માત્ર બેદરકારી નહીં પરંતુ ગંભીર ગુનાહિત કૃત્ય ગણાય. તેમજ સરકારી દસ્તાવેજોમાં આ રીતે જન્મ-મરણના દાખલામાં ફેરફર થવો એ સમગ્ર પ્રણાલીને શંકાની નજરે જોતો ગંભીર મુદ્દો છે. આવા ખોટા દાખલાઓનો ઉપયોગ કરી ઓળખ, પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજો તૈયાર થવાની શક્યતા નકારી શકાય નહીં.
