માલપુરમાં વાત્રક નદીમાં ન્હાવા ગયેલા ત્રણ સગીરનાં ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ હતી. શનિવારે બપોરના સમયે ત્રણેય મિત્રો નદીમાં ન્હાવા ગયા હતા અને એક બાદ એક ડૂબી ગયા હતા. બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓએ ડૂબી ગયેલ ત્રણેય કિશોરની લાશો બહાર કાઢી હતી અને પીએમ માટે ખસેડવામાં આવી હતી.
ઘટનાને પગલે પોલીસે પણ દોડી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.ઉનાળો ધીમે ધીમે તપવા લાગ્યો છે અને બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. ત્યારે માલપુરમાં ત્રણ કિશોર વાત્રક નદીમાં ન્હાવા માટે ગયા હતા. માલપુરમાં રહેતા લઘુમતી સમાજના ત્રણેય સગીર મિત્રો વાત્રક નદીના જુના પુલ પાસે ન્હાવા પડયા હતા. જો કે ત્રણેય સગીર નદીના પાણીમાં ડૂબી ગયા હતા. એક બાદ એક કરતાં ત્રણેય સગીર નદીમાં ડૂબ્યા હોવાની વાત સામે આવતાં જ માલપુરમાંથી મોટી સંખ્યામાં લોકો વાત્રક નદીના કિનારે પહોંચી ગયા હતા. જ્યારે સ્થાનિક તરવૈયાઓ તાડબતોબ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. પરંતુ નદીના ઉંડા પાણીમાં ત્રણેય કિશોરના મોત થયા હતા. તરવૈયાઓ દ્વારા ભારે જહેમત બાદ ત્રણેય કિશોરની લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. રમજાન મહિનામાં લધુમતી સમાજના ત્રણ કિશોરના નદીમાં ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી. બાળકો ડૂબી ગયાની જાણ થતાં તેઓના પરિવારજનો નદી કિનારે દોડી પહોંચ્યા હતા અને લાશો બહાર નીકળતાં આક્રંદ કરી મુક્યુ હતું. બનાવને પગલે તાબડતોબ માલપુર પોલીસ પણ દોડી પહોંચી હતી અને ત્રણેય કિશોરની લાશોને માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
