માણસાના પરબતપુરા ગામના શિક્ષકે શેરબજારમાં ટ્રેડીંગ કરી મોટી રકમ કમાવવાની લાલચમાં 14.50 લાખ ગુમાવ્યા છે. પરબતપુરામાં રહેતા અને માણસામાં ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કૃણાલ શંકરભાઇ પટેલ સાયબર ગઠિયાઓનો ભોગ બન્યા છે.
તેઓએ અઢી મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઇ રહ્યા હતા. દરમિયાન એક્સિસ સિક્યુરીટી લીમીટેડમાં ઓનલાઇન ફોર્મ ભર્યુ હતું. આ ફોર્મ સબમીટ થતા જ તેમના વોટ્સએપ પર રિતીકાસિંઘ નામની ઓળખ આપનાર એક મહિલાએ ફોન કરીને તેમનું ઉપરોક્ત કંપનીમાં ખાતુ ઓપન થયુ હોવાનું અને તેઓને ગૃપમાં એડ કર્યા હોવાની વાત કરી હતી. શિક્ષક કૃણાલ પટેલે 18 જુલાઇ 2025 થી 31 જુલાઇ 2025ના ટુંકાગાળામાં જ કટકે કટકે 14.50 લાખ જમા કરાવ્યા હતા. કૃણાલ પટેલે ઉપરોક્ત રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કરતા તેઓ તેમાં નિષ્ફળ રહ્યા હતા. આથી છેતરાયા હોવાનું જણાતા સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
