Mehsana News : ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકેની પ્રેકટિસ કરતા વકીલે ગેંગ રચીને 3 કરોડ કરતા વધારેની કિંમતના જીરાની ચોરી કરી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પણ જ્યારે પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલ્યો ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા. ચોરી કરનારી કોઈ સામાન્ય ગેંગ નહોતી, પણ તેમાં સામેલ હતો હાઈકોર્ટનો એક વકીલ! કાયદાનો જાણકાર જ જ્યારે ગુનેગાર બની જાય ત્યારે શું થાય? ઘટના છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની. ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડીસન્ટ હોટલની પાછળ ખોડીયાર એસ્ટેટ આવેલા છે.

મહેસાણા એલસીબી પોલીસે શરૂ કરી હતી તપાસ

અહીં વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના ગોડાઉન આવેલા છે. ગત ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ના સમયગાળા દરમિયાન, તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું. રાત્રિના અંધારામાં તસ્કરોએ વેરહાઉસ નં. ૧૩, ૧૪ અને ૧૫ ના તાળા તોડ્યા. અંદરથી એક-બે નહીં પણ હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ગાયબ થઈ ગઈ. ચોરીનો આંકડો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી. કુલ ૩ કરોડ ૨ લાખ ૨૮ હજાર રૂપિયાના જીરાની ચોરી! મહેસાણા LCB અને પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

એક આરોપી ગુજરાત હાઈકોર્ટનો વકીલ છે

ગુનેગારો ચાલાક હતા, પણ પોલીસ તેમનાથી એક ડગલું આગળ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા, જેમાં એક શંકાસ્પદ ટ્રક નજરે પડી. આ ટ્રક નંબરના આધારે ડ્રાઈવર સુધી પહોંચાયું. ત્યારબાદ શરૂ થયો ટેકનિકલ સર્વેલન્સનો દોર. મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સ (CDR) તપાસતા એક નંબર શંકાના દાયરામાં આવ્યો. આ નંબર હતો આરોપી વજાહત ખાનનો, જે ચોરી વાળી રાત્રે ઘટનાસ્થળે જ હાજર હતો. બસ, અહીંથી જ પોલીસને મળી સફળતાની ચાવી. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી. અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઈલ સામે આવી ત્યારે સૌ દંગ રહી ગયા. મુખ્ય આરોપીઓ પૈકી એક છે મેમણ મહંમદઈક્રામ, જેણે LL.B.નો અભ્યાસ કરેલો છે અને અમદાવાદ હાઈકોર્ટમાં વકીલાત કરે છે!

વકીલ વિરુદ્ધ અગાઉ વડોદરામાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો છે

કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો. આ વકીલ વિરુદ્ધ અગાઉ વડોદરામાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો છે. તો બીજા આરોપી સાદીક મેમણ વિરુદ્ધ હાલોલમાં બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. આ ટોળકીએ ચોરી કરેલું કરોડોનું જીરું ડીસા અને ઊંઝા ગંજ બજારમાં વેચી માર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન રોકડ રકમ રૂ. ૪૬,૬૫,૦૦૦ અને જીરાની ૧૧૦ બોરીઓ (કિંમત રૂ. ૧૧,૫૦,૦૦૦) એમ મળીને કુલ ૫૮ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. મહેસાણા પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલીને 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે, શાહનવાજ ઉર્ફે ટીપુ અને ઈમરાન જમીલ જેવા આરોપીઓ હજુ વોન્ટેડ છે. આ ઘટના સાબિત કરે છે કે ગુનેગાર ગમે તેટલો ભણેલો કે શાતિર હોય, કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી.

આ પણ વાંચો : Gandhinagar News : અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા નિકાસમાં થશે વિક્રમજનક વધારો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *