સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર મુળી બસ સ્ટેશન સામે સામુહીક આરોગ્ય કેન્દ્ર આવેલુ છે. આ હોસ્પીટલ વર્ષ 1988માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે હાલ હોસ્પિટલ જર્જરીત થતા ઉચ્ચકક્ષાએ રજુઆતો થઈ હતી. જેમાં સરકારે હોસ્પિટલના નવીનીકરણ માટે રૂપિયા 6 કરોડ ફાળવવાનું આયોજન કરતા આનંદની લાગણી ફેલાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાની તાલુકા મથકોએ આવેલ હોસ્પિટલોમાં મૂળી સામુહીક આરોગ્ય કેન્દ્ર મહત્વનું છે. સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર થતા અકસ્માતો, મુળી પંથકમાં પ્રસવના કેસો સહિતના બનાવોમાં દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ છે. વર્ષ 1982માં આ હોસ્પિટલ બનવાની શરૂઆત થઈ હતી. જેમાં તા.17-1-1988ના રોજ દાતા દીપચંદ ગાર્ડી અને તત્કાલીન આરોગય મંત્રી વલ્લભભાઈ પટેલના હસ્તે હોસ્પિટલનું ઉદ્દઘાટન થયુ હતુ. છેલ્લા કેટલાક સમયથી આ હોસ્પિટલ જર્જરીત હોવાથી જિલ્લા સહકારી બેંકના ડિરેકટર હરદેવસીંહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસીંહ પરમાર, મુળી હોસ્પીટલના ઓમદેવસીંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ બ્રીજરાજસીંહ વાઘેલા સહિતનાઓએ ઉચ્ચકક્ષાએ અવારનવાર આ અંગે રજુઆતો કરી હતી. જેમાં રાજયના આરોગ્ય, તબીબી સેવાઓની કચેરી દ્વારા આ હોસ્પીટલ રૂપિયા 6 કરોડના ખર્ચે નવીનીકરણનું આયોજન કર્યુ છે. કચેરી દ્વારા 15મા નાણાપંચના નોડલ ઓફીસરને અને પ્રોજેકટ ઈમ્પલીમેન્ટેશન યુનીટના ઈજનેરને પત્ર લખી વર્ષ 2025-25ની ગ્રાંટમાં આ હોસ્પીટલના કામનો સમાવેશ કરવા જણાવ્યુ છે. આમ, મુળી હોસ્પીટલ નવીનીકરણ થતા લોકોને વધુ વિકાસના ફળ ચાખવા મળશે.
