Padra પાલિકાની ઘોર બેદરકારી: ગટર લાઈનના નબળા કામથી સર્જાયા ભુવા

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પાદરા શહેરમાં નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ગટર લાઈનની કામગીરી હવે સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહી છે. યોગ્ય આયોજન વિના કરવામાં આવેલા ખોદકામને કારણે જાહેર માર્ગો પર મોટા ભુવા પડ્યા છે, જેનાથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચાર મહિનાથી ચાલે છે અધૂરી કામગીરી

છેલ્લા ચાર મહિનાથી નવીન ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તે અત્યંત ધીમી અને બિનકાર્યક્ષમ હોવાની ફરિયાદો ઉઠી છે. શંકરપાર્ક સોસાયટીથી રાધે ક્રિષ્ન સોસાયટી સુધીના માર્ગો બિસ્માર બન્યા છે. આ વિસ્તારની અંદાજે 20 જેટલી સોસાયટીના રહીશો હાલમાં નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

બિસ્માર ગટર લાઈનથી માર્ગો પર ભુવા

પાલિકા કે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામવાળી જગ્યાએ કોઈ પણ પ્રકારના સુરક્ષા બોર્ડ કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી. આ ગંભીર બેદરકારીને કારણે રાત્રિના સમયે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે અને અકસ્માતની સંભાવના વધી ગઈ છે. અધૂરી અને નબળી કામગીરીને કારણે માર્ગો પર પડેલા ભુવાઓ તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આ કામગીરી સત્વરે અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓનો અંત આવે. જો આગામી દિવસોમાં ઉકેલ નહીં આવે તો આકરા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *