Palanpurના પેડાગડામાં તંત્રનું બુલડોઝર: 25 જેટલા મકાનો જમીનદોસ્ત કરાતા પરિવારો નિરાધાર

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પેડાગડા ગામમાં ગઈકાલે તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં 25 જેટલા ગરીબ પરિવારોના આશિયાના પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા પીડિતોમાં ભારે રોષ અને આક્રંદ જોવા મળી રહ્યું છે.

25 જેટલા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

તંત્રની આ કડક કાર્યવાહીના વિરોધમાં અને પોતાની વેદના રજૂ કરવા માટે પેડાગડા ગામના પીડિત પરિવારો મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અચાનક કરવામાં આવેલી આ કામગીરીથી તેઓ હવે રસ્તા પર આવી ગયા છે. મકાનો તોડી પાડવાની સાથે ખેતરો પણ ખેડી નાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પીડિતોએ કર્યા છે. ગઈકાલે જ્યારે પાલનપુર તાલુકા પોલીસે બંદોબસ્ત સાથે ગામમાં દબાણ હટાવવાની શરૂઆત કરી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી

તંત્રના મતે આ મકાનો સરકારી જમીન પર કથિત દબાણ હતા, જ્યારે રહીશોનો દાવો છે કે તેઓ વર્ષોથી ત્યાં રહેતા હતા. મકાનો તૂટી જતા નાના બાળકો અને વૃદ્ધો સાથે આ પરિવારો હવે ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે. પીડિત પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. પરિવારોએ આક્ષેપ કર્યો છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર જ નિરાધાર કરી દેવામાં આવ્યા છે. મહિલાઓએ ભાવુક થઈને કલેક્ટર પાસે રહેવા માટે છત અને યોગ્ય વળતર આપવા રજૂઆત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *