Panchmahal News: ગોધરામાં માનવ ભ્રૂણ મળતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ કરી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આજે માનવતાને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે. ગોધરા શહેરના ભરચક વિસ્તાર ગણાતા કલાલ દરવાજા પાસે ખુલ્લી જગ્યામાં એક શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેમાંથી માનવ ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

અધૂરા માસે જન્મેલું ભ્રૂણ ફેંકી દેવાયું

ઘટનાની મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા કલાલ દરવાજા પાસે આવેલી એક ખુલ્લી જગ્યામાં કોઈ અજાણી વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલું ભ્રૂણ ફેંકીને રફુચક્કર થઈ ગઈ હતી. આ ભ્રૂણ અધૂરા માસે જન્મેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોની નજર આ શંકાસ્પદ થેલી પર પડતા અને તેમાં ભ્રૂણ હોવાનું માલૂમ પડતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને માનવ ભ્રૂણને કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે, જેથી ભ્રૂણ ફેંકી જનાર વ્યક્તિની ઓળખ કરી શકાય.

હોસ્પિટલો અને ક્લિનિક્સ પર નજર

પોલીસ દ્વારા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ પ્રસૂતિગૃહોમાં પણ તપાસ કરવામાં આવી શકે છે. કોઈ અનૈતિક સંબંધો છુપાવવા કે અન્ય કોઈ કારણોસર આ ભ્રૂણ ફેંકી દેવામાં આવ્યું છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે ગોધરામાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો – Panchmahal: શહેરાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને ઝીંકી જોરદાર થપ્પડ, પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *