બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન માત્ર એક મેળાવડો નહીં, પરંતુ સમાજમાં વર્ષોથી ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરી એક નવા સામાજિક બંધારણની રચના માટેનું ઐતિહાસિક પગલું સાબિત થશે. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીની આગેવાનીમાં આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
વાર્ષિક 100 કરોડની બચતનું લક્ષ્ય
આ મહાસંમેલનમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 50 હજારથી વધુ લોકો ઉમટી પડવાની શક્યતા છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય જન્મ, લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવી સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. ગોવાભાઈ રબારીના જણાવ્યા અનુસાર, નવા નિયમોના પાલનથી સમાજમાં વાર્ષિક અંદાજે 100 કરોડની બચત થશે, જે રકમનો ઉપયોગ યુવાનોના શિક્ષણ અને પ્રગતિ માટે કરવામાં આવશે.
આ 11 મુખ્ય મુદ્દાઓ પર લેવાશે નિર્ણય
સંમેલનમાં મુખ્યત્વે
- જન્મ પ્રસંગ
- સગાઈ
- લગ્ન
- મામેરું-મોસાળું
- આણું
- છૂટાછેડા
- શિક્ષણ
- સમૂહ લગ્ન
- વ્યસન મુક્તિ
- મરણ પ્રસંગ
https://x.com/sandeshnews/status/2015283963095609764
જેવા 11 મહત્વના પાસાઓ પર ચર્ચા કરી નવા નિયમો જાહેર કરાશે. ખાસ કરીને દેખાદેખીમાં થતા ખર્ચને રોકી, ‘એક સમાજ, એક રિવાજ’ની વિભાવનાને સાકાર કરવામાં આવશે.
આ આયોજન કોઈ શક્તિ પ્રદર્શન નથી, પરંતુ સમાજને શિક્ષિત અને વ્યસનમુક્ત બનાવી ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે આગળ વધવાનો એક નમ્ર પ્રયાસ છે, તેમ રબારી સમાજના આગેવાન ગોવા રબારીએ જણાવ્યું હતું.
