સિદ્ધપુરના દેથળી નજીક માધુપુરા બસ સ્ટેન્ડ પાસે ઉભેલા એક ટ્રેક્ટરની રીંગની પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેથી બાઈક સવાર કાકા ભત્રીજા તથા ભાઈ નિચે પટકાતાં ગંભીર રીતે ધાયલ થતાં લોકો દોડી આવ્યા હતા અને સારવાર માટે 108 માં સિદ્ધપુર લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ધારપુર ખસેડાયા હતા.
જ્યાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત કાકા તથા તેમના પુત્રને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુર તાલુકાના હિસોર ગામના રંગાજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ તથા તેમનો પુત્ર સંદિપજી અને ભત્રીજો વિજયજી સાંજના સમયે સિદ્ધપુર ખાતે હોસ્પિટલમાં મોટાભાઈના ખબરઅંતર પુછી ટીફીન આપી પરત ઘરે જઈ રહ્યા હતા. તે સમયે દેથળી નજીક માધુપુરા બસ સ્ટેશન પાસે પહોંચતા બાઈક ચાલક ભત્રીજા વિજયજીએ રસ્તા પર રીંગ સાથે ઊભેલા ટ્રેક્ટરના પાછળના ભાગે બાઈક ઘુસાડી દેતાં ત્રણેય નિચે પટકાતાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને 108 ને જાણ કરતા પ્રથમ સિદ્ધપુર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાંથી વધુ સારવાર માટે ધારપુર ખસેડાયા હતા જ્યાં બાઈક ચાલક વિજયજીનું મૃત્યુ થયું હતું તેમજ રંગાજી ઠાકોર અને પુત્ર સંદિપજીને પણ ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા બાદમાં તેમણે ફરિયાદ નોંધાવી છે.
