વડોદરા જિલ્લાના શિનોર ગામને મુખ્ય માર્ગ સાથે જોડતા રેલ્વે ગરનાળામાં આજે એક લોડેડ ટ્રક પલટી મારી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની બેદરકારીને કારણે રાહદારીઓને અને વાહનચાલકોને સતત ભોગ બનવાનો વારો આવ્યો છે.
ગરનાળામાં લોડેડ ટ્રક પલટી મારી ગઈ
આ રેલ્વે ગરનાળું બારેમાસ વિવાદનું કેન્દ્ર રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગરનાળામાં હંમેશા પાણી ભરેલું રહે છે અને પાણીની નીચે મસમોટા ખાડાઓ પડી ગયેલા હોય છે. ટ્રક પલટી મારવાનું પ્રાથમિક કારણ આ જ ખાડાઓ હોવાનું માનવામાં આવે છે.
રાહદારીઓને અને વાહનચાલકોને હાલાકી
સ્થાનિકોનો આક્ષેપ છે કે, રેલ્વે વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, અને પંચાયત સહિત કોઈ પણ સત્તાવાર સંસ્થા આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવતી નથી. અગાઉ પણ અહીં અનેક કાર ફસાઈ જવાના અને વાહન પલટી મારવાના બનાવો બની ચૂક્યા છે. આજે ફરી એકવાર ટ્રક પલટી જતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યાપ્યો છે અને તંત્ર વહેલી તકે આ ગરનાળાની મરામત કરે તેવી માંગ ઉઠી છે.
