શિનોર તાલુકાના દિવેરથી મઢીનો રસ્તો રૂા. 50 લાખના અંદાજિત ખર્ચે તાજેતરમાં તા. 8 ડિસેમ્બરે ખાતમુહૂર્ત કરી શરૂઆત કરી હતી. તે રોડ માત્ર 18 દિવસમાં સાઈડ સોલ્ડરીંગ ના કરવાને કારણે તૂટવા માંડયો છે.
દિવેરથી નર્મદા કિનારે આવેલ મઢી સુધીનો રસ્તો તદ્દન ભંગાર તથા તૂટી ગયો હતો. સરકારમાં રજૂઆત થતાં રૂા.50 લાખના અંદાજિત ખર્ચે મંજૂર થયેલ, તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલે તા. 8 ડિસેમ્બર-25ના રોજ કર્યુ હતું. ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત વેઠ ઉતાર અને ગુણવત્તા વગરના માલ સામાનથી કામ શરૂ કરેલ હતું. રસ્તાના કામ વખતે કોઈ સરકારી ઇજનેર કે કર્મચારી હાજર રહ્યાં નહોતા. મજૂરોના ભરોસે કામગીરી થઈ હતી.
જેના ફ્ળ સ્વરૂપ હાલમાં માત્ર 18 દિવસમાં આ રસ્તો તૂટવા માંડયો છે. તેના પર સિલિકોટ કરેલ નથી, સાઈડ સોલ્ડરિંગ કામ કરેલ નથી. ડામરના પડ ઉખડવા માંડયા છે ,જે હલકી ગુણવત્તાના દર્શન કરાવે છે. આજ દિન સુધી બાંધકામના નિયમ મુજબ યોજનાકીય બોર્ડ મુકાયા નથી. જેથી આ કામ કેટલા રૂપિયાનું છે. ક્યારે પૂરું કરવાનું છે, કેટલા એસ્ટીમેટનું કામ છે કે, અન્ય કોઈ માહિતી મળતી નથી. માત્ર 18 દિવસના ગાળામાં રોડ તૂટી જતા લોકોમાં રોષ ફેલાયો છે.
