Surat ટાંકી દુર્ઘટના: અન્ય ગામના રિપોર્ટ અને ડુપ્લીકેટ નકશાના આધારે ઊભી કરી હતી ટાંકી

📅 Published: February 19, 2026 | 📂 Category: Uncategorized

તડકેશ્વર ગામે નિર્માણ પામેલી પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાના કેસમાં ઝડપાયેલા 8 આરોપીઓએ જામીન મેળવવા બારડોલી સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેના વિરોધમાં પોલીસે 19 મુદ્દાઓ સાથેનું એફિડેવિટ રજૂ કરી આરોપીઓની કરતૂતનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ પદ્ધતિસરનું કાવતરું રચ્યું હતું: સોઇલ રિપોર્ટમાં ચેડાં: ટાંકી બનાવતા પહેલા તડકેશ્વરની જમીનનો સોઇલ રિપોર્ટ કરવામાં જ આવ્યો નહોતો. તેની જગ્યાએ અગાઉના હરિયાલ ગામના પ્રોજેક્ટના આંકડા રિપોર્ટમાં દર્શાવી દેવામાં આવ્યા હતા.

આરોપીઓએ સોઇલ રિપોર્ટ ન કર્યો હોવાનો ખુલાસો

ફોટામાં છેતરપિંડી: આરોપીઓએ તડકેશ્વરની ટાંકીનું કામ પૂરું થયાનું દર્શાવવા માટે અન્ય સ્થળની ટાંકીના ફોટા ફાઈલમાં જોડીને સરકારી નાણાં પાસ કરાવી લીધા હતા. માળખાગત ગેરરીતિ: ટાંકીના પાયામાં નિર્ધારિત 3 મીટરની જગ્યાએ માત્ર 2.5 મીટરની ઊંડાઈ રાખીને નાણાંની ચોરી કરવામાં આવી હતી, જે ટાંકી પડવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. ડુપ્લીકેટ નકશા અને સિક્કા: પ્રોજેક્ટ માટેના નકશાઓ પણ બનાવટી હતા.

પોલીસે સેસન્સ કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું

એટલું જ નહીં, તેના પર લાગેલા સિક્કાઓ પણ આરોપીઓએ જાતે બનાવીને મારી દીધા હોવાનો આક્ષેપ છે. સરકારી વકીલ નયન સુખદવાળાએ કોર્ટમાં ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ લોકોએ જનતાના જીવ સાથે ચેડાં કર્યા છે અને પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે, તેથી તેમને જામીન ન મળવા જોઈએ. બારડોલી સેશન્સ કોર્ટ આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આગામી 21મી તારીખે આરોપીઓની જામીન અરજી પર ચુકાદો સંભળાવશે. પોલીસના આ 19 મુદ્દાઓ બાદ હવે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મુશ્કેલીમાં વધારો થાય તે નક્કી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *