Surat News: ભેસ્તાનમાં મારામારી કરનારાઓની પોલીસે શાન ઠેકાણે લાવી

📅 Published: February 23, 2026 | 📂 Category: Uncategorized

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા SMC આવાસના કોમ્પ્લેક્સમાં અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલી મારામારીના મામલે ભેસ્તાન પોલીસે કડક કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા પર મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવેલી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો

ભેસ્તાન SMC કોમ્પ્લેક્સમાં નજીવી બાબતે કેટલાક શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં આરોપીઓ ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડતા હતા, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસે આરોપીઓના કાન પકડાવ્યા

વાયરલ વીડિયોના આધારે ભેસ્તાન પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ મારામારી કરનારા ચાર શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે આ આરોપીઓને જાહેરમાં લાવી તેમના કાન પકડાવીને ઉઠબેસ કરાવી હતી. લોકોમાં પોલીસનો ખૌફ જળવાઈ રહે અને ગુનેગારોમાં ડર પેસે તે હેતુથી પોલીસે આ લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવી દીધી હતી.

આરોપીઓએ માફી માંગી

પોલીસના સકંજામાં આવેલા ચારેય આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને જાહેરમાં કબૂલાત કરી હતી કે, “અમે હવે પછી ક્યારેય આવી રીતે કોઈ સાથે મારામારી કે દાદાગીરી નહીં કરીએ.” ભેસ્તાન પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. પોલીસના મતે, શહેરમાં શાંતિ ભંગ કરનારા કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો – Surat News: સ્કૂલના બાળકોને છરી બતાવી 1.50 લાખ પડાવનાર ત્રણ ઝડપાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *