Surat : ST વિભાગ દ્વારા હોળી-ધૂળેટીના તહેવારમાં વતન જનારા મુસાફરો માટે 570 વધારાની બસો ચલાવાશે

📅 Published: February 24, 2026 | 📂 Category: Uncategorized

આગામી હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને સુરત એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારો થાય તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો આપતા સુરત એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને પંચમહાલ જિલ્લાના શ્રમિકો અને નાગરિકો જેઓ રોજગારી અર્થે સુરતમાં સ્થાયી થયા છે, તેઓ પોતાના વતનમાં હોળીનો તહેવાર ઉજવી શકે તે માટે નિગમ દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન વિશેષ બસો દોડાવવામાં આવશે.

570 જેટલી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે

આ વર્ષે સુરત ડિવિઝન દ્વારા કુલ 570 જેટલી વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે, જેથી મુસાફરોને ખાનગી ટ્રાવેલ્સના ઊંચા ભાડા અને ભીડભાડથી મુક્તિ મળી શકે. મુસાફરોની સગવડતા માટે ભાડાના દરો પણ નિયત કરવામાં આવ્યા છે, જે અંતર મુજબ રૂપિયા 325થી લઈને રૂપિયા 355 સુધીના રહેશે.

મુસાફરો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ

મહત્વની વાત એ છે કે તહેવારના સમયે પણ મુસાફરો પાસેથી કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને સરકારી નિયમ મુજબના સામાન્ય ભાડામાં જ આ સુવિધા પૂરી પાડવામાં આવશે. મુસાફરોને બોર્ડિંગમાં સરળતા રહે તે માટે સુરતના વિવિધ વિસ્તારો જેવા કે રામનગર રાંદેર રોડ ખાતેથી, સેન્ટ્રલ બસ સ્ટેશન પાસેનું સીટી બસ સ્ટેન્ડ અને ઓલપાડ ખાતેથી બસો ઉપડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રીના ટ્રાફિક મળશે ત્યાં સુધી ચલાવવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે મુસાફરો માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ગ્રુપ બુકિંગ પણ કરાવી શકાશે

જો કોઈ સોસાયટી કે વિસ્તારના 52 મુસાફરો એકસાથે ગ્રુપ બુકિંગ કરાવશે તો એસ.ટી. નિગમ દ્વારા તે બસને મુસાફરોના ઘર આંગણે (ડોર સ્ટેપ) મોકલવામાં આવશે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દુરથી રોજગારી અર્થે સુરતમાં આવેલા શ્રમિકો પોતાના માદરે વતન હોળી-ધુળેટીનો તહેવાર ધામધુમપૂર્વક મનાવી શકે તે માટે સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવાનો છે. સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સીટી બસ સ્ટેશન તથા રામનગર રાંદેરથી બસોના ભાડાના દરો જોઈએ તો અમદાવાદ રૂપિયા 325, દાહોદના રૂપિયા 350, ઝાલોદના રૂપિયા 355, ગોધરાના રૂપિયા 305, લુણવાડાના રૂપિયા 330, કવાંટના રૂપિયા 305, છોટાઉદેપુરના રૂપિયા 315, ઝાલોદના રૂપિયા 355 રહેશે.

આ પણ વાંચો : Ahmedabad News: વેજલપુરના રોપડા તળાવ પાસે 7 ધાર્મિક દબાણો પર ચાલ્યું તંત્રનું બુલડોઝર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *