Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં મોડી રાત્રે તંત્ર દ્વારા વિશાળ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. થાનગઢના સૂર્યા ચોકથી સોનગઢ તથા તરણેતર રોડ પર આવેલી સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા.

અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ચોટીલા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મુળી મામલતદાર, ચોટીલા મામલતદાર તથા થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત્રે શરૂ થયેલી આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સૂર્યા ચોકથી તરણેતર જવાના માર્ગની બંને બાજુએ પાકા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા

મળતી માહિતી મુજબ સૂર્યા ચોકથી તરણેતર જવાના માર્ગની બંને બાજુએ સરકારી સર્વે નંબર ૭૯, ૮૧, ૮૯ અને ૩૪૯ પર મોટા પાયે પાકા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા.

260 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા

આ વિસ્તારમાં કુલ 231 દુકાનો, 7 સેનેટરીવેરના કારખાના અને 17 રહેણાંક મકાન સહિત કુલ 260 ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દ્વારા અંદાજીત રૂ. 210.26 કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર, ખુલ્લી થયેલ જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ કરવામાં આવશે તેમજ સરકારી જમીનની જાળવણી માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

આગળ પણ કડક પગલાં લેવામાં આવશે.

મધરાત્રિએ થયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે, જ્યારે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે આગળ પણ કડક પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો—-   Ahmedabad:ચાંદખેડામાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાં આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *