Surendranagar News: ગોપાલગઢના જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, પોલીસ તપાસ તેજ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા પુરૂષનું માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગોપાલગઢ જંગલની ઝાડીઓમાં હાડપિંજર હાલતમાં પડેલા આ અવશેષો જોતા કોઈ ગંભીર ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે.

30 થી 35 વર્ષના યુવકનું હોવાનું અનુમાન

ઘટનાની મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામથી આશરે ચાર કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં આ કંકાલ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ કંકાલ અંદાજે 30 થી 35 વર્ષની વયના યુવાનનું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટના સ્થળેથી પુરાવા કબ્જે લેવાયા

પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કંકાલની આસપાસથી ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું એક પેકેટ મળી આવ્યું છે. પોલીસે આ તમામ વસ્તુઓ તપાસ અર્થે કબ્જે લીધી છે. આ વસ્તુઓના આધારે મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

FSL તપાસ માટે રાજકોટ મોકલાયું

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા આ માનવ કંકાલનો કબ્જો મેળવી તેને વૈજ્ઞાનિક તપાસ માટે રાજકોટ એફએસએલ (FSL) ખાતે મોકલી આપ્યું છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાશે. હાલમાં પોલીસે આસપાસના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદી તપાસવાની અને આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો – Surendranagar: મૂળીમાં વનકર્મી પર મારી નાંખવાના ઈરાદે કાર ચડાવવાના કેસના ફરાર ત્રિપુટી પકડાઈ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *