તાલાલા નગરપાલિકાની ગંભીર બેદરકારીનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અહીં કોન્ટ્રાક્ટરે તમામ એન્જિનિયરિંગ માપદંડો અને સામાન્ય બુદ્ધિને નેવે મૂકીને વીજળીના થાંભલાઓ વચ્ચે જ રોડ બનાવી નાખતા સ્થાનિકોમાં રોષ અને આશ્ચર્ય ફેલાયું છે.
તાલાલા નપાની રોડના કામને લઈ બેદરકારી
તાલાલામાં ચાલી રહેલા રોડના કામ દરમિયાન રસ્તાની વચ્ચે આવતા વીજ પોલ (Electric Poles) દૂર કરવાના હતા. જોકે, કોન્ટ્રાક્ટર કે.વી. બારડ દ્વારા આળસ કે ઉતાવળમાં વીજ પોલ હટાવવાની તસ્દી લીધા વગર જ તેની ફરતે રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો. આ વિચિત્ર રસ્તાનો વીડિયો જાગૃત નાગરિક માલદે સોલંકીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેને પગલે પાલિકા તંત્રની ભારે ફજેતી થઈ હતી.
તંત્રનો ખુલાસો અને કાર્યવાહી
મામલો ગરમાતા તાલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડા મીડિયા સમક્ષ આવ્યા હતા અને તંત્રની ભૂલ સ્વીકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, “એન્જિનિયર દ્વારા પોલ દૂર કર્યા બાદ જ કામ કરવાની સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં કોન્ટ્રાક્ટરે મનસ્વી રીતે આ કામ પૂર્ણ કરી નાખ્યું છે.”તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટર એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.આ કામનું જે-તે એજન્સીનું બિલ અટકાવી દેવામાં આવ્યું છે.પોલ દૂર કરી ફરીથી વ્યવસ્થિત રોડ બનાવવાના આદેશ અપાયા છે.
