થાનમાં રહેતા બે પડોશી પરીવારો વચ્ચે સહીયારી દીવાલના ભાગ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં બે મહિલાઓ સહિત કુલ પાંચ સામે થાન પોલીસ મથકે મારામારીની ફરિયાદ નોંધાઈ છે.
થાનના હરિનગર વિસ્તારમાં રહેતા હીરેનભાઈ સુરેશભાઈ જાદવ દુકાન ચલાવે છે. તેમના મોટાભાઈ પ્રશાંતભાઈ મોરબી રહે છે. બે દિવસ પહેલા તેઓ પરીવાર સાથે થાન આવ્યા હતા. અને ગત તા. 8મીના રોજ રાત્રે બન્ને ભાઈઓ ઘરની બહાર બેઠા હતા. તેમના ઘરની બાજુમાં દીલીપ મકવાણાનું ઘર આવેલુ છે. જેની સહીયારી દિવાલ બાબતે દીલીપ પાસેથી પૈસા લેવાના હતા. ત્યારે દીલીપ આ રસ્તેથી નીકળતા પ્રશાંતભાઈએ પૈસાની માંગણી કરી હતી. જેમાં તેણે પૈસા મારો દિકરો અક્ષય આપશે તેમ કહ્યુ હતુ. બાદમાં અક્ષય અને તેના પત્ની બીન્દુબેને આવી તમે શું અમારી પાસે પૈસા માંગ માંગ કરો છો, અમે શું ભીખારી છીએ તેમ કહી બોલાચાલી કરી લાકડા વડે પ્રશાંતભાઈને અને તેમના પત્ની રાધીકાબેનને માર માર્યો હતો. જયારે તેમની બાજુમાં રહેતા પંકજ મણીયાર અને પાયલબેન પંકજભાઈ મણીયારે પણ આવી બોલાચાલી કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પ્રશાંતભાઈ અને રાધીકાબેનને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની પાંચેય આરોપીઓ દીલીપ મકવાણા, અક્ષય દીલીપભાઈ મકવાણા, બીન્દુબેન અક્ષયભાઈ મકવાણા, પંકજભાઈ મણીયાર અને પાયલબેન પંકજભાઈ મણીયાર સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.એસ.ગાબુ ચલાવી રહ્યા છે.
