Thangadh ડ્રો કૌભાંડ: રિમાન્ડ દરમિયાન ફરાર થયેલો મુખ્ય આરોપી રામદાસ ગોધરાથી ઝડપાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

થાનગઢના અમરાપર ગામે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ડ્રો ન યોજાતા રૂ. 3.09 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે અગાઉ સાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, જેમાં તપાસ દરમિયાન વધુ એક નામ ખુલતા કુલ આઠ આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. જોકે, આ કેસમાં પકડાયેલ મુખ્ય આરોપી રામદાસ મહત્યાગી પોલીસ રિમાન્ડ દરમિયાન ફરાર થઈ જતાં પોલીસ તંત્ર પર સવાલો ઉઠ્યા હતા.

રિમાન્ડ દરમિયાન આરોપી થયો હતો ફરાર

ફરાર આરોપી રામદાસને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી, જેના પરિણામે પોલીસે તેને પંચમહાલના ગોધરા ખાતેથી શોધી કાઢીને ફરી ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં રામદાસ મહત્યાગી ઉપરાંત હીરા ગ્રામભડિયા, લગધીર કારોલીયા, સુરેશ ઝરવરિયા, મેરા ડાભી, નરશી સોલંકી, રમેશ ઝેઝરીયા અને અશ્વિન કારેલીયા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ગૌશાળાના પવિત્ર કામના નામે લોકોના વિશ્વાસ સાથે રમીને મસમોટી રકમ ઓળવી લીધી હતી.

પોલીસે આરોપી રામદાસને ગોધરાથી પકડ્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ વ્યવસ્થિત રીતે ડ્રોની કુપનો છપાવીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વેચી હતી. હાલમાં પોલીસ પકડાયેલા તમામ આઠ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે જેથી કરીને લોકોના લાખો રૂપિયા ક્યાં રોકવામાં આવ્યા છે અને આ કૌભાંડના મૂળ કેટલા ઊંડા છે તેની વિગતો જાણી શકાય. ગૌભક્તિના નામે થયેલી આ મોટી છેતરપિંડીને પગલે સમગ્ર ઝાલાવાડ પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ હવે આ કેસમાં મજબૂત પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *