વડોદરાના શિનોરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં આવ્યો પલટો અને ધોધમાર વરસાદ પડ્યો હતો. આ અનરાધાર વરસાદને કારણે તાલુકાના અનેક ગામોમાં ખાસ કરીને અવાખલ, સાધલી અને સેગવા જેવા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને એવું લાગી રહ્યું હતું કે જાણે નાની નદીઓ વહી રહી હોય.
અવાખલ, સાધલી, સેગવા સહિત અનેક ગામોમાં ધોધમાર વરસાદ
રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મોડી રાત્રે પડેલા વરસાદને કારણે લોકોના ઘરો અને ખેતરોમાં પણ પાણી ઘૂસી જવાથી નુકસાન થવાની શક્યતાઓ છે. વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થઈ અને લોકોને મુશ્કેલી અનુભવાઈ હતી. ભારે વરસાદ અને પવનના કારણે વીજળીના થાંભલાઓ અને વાયરને નુકસાન થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
મોડી રાતે ધોધમાર વરસાદ ચાલુ થતાં જ વીજપ્રવાહ ગુલ
વીજળી વગર લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ અનપેક્ષિત વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે. પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોમાં ફેલાયો છે. જોકે આ વરસાદે જમીનને પાણી પૂરું પાડ્યું છે. પરંતુ જો વધુ સમય સુધી આવો વરસાદ ચાલુ રહેશે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. આગામી દિવસોમાં હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે. તેથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા જરૂરી બન્યા છે.
