Valsad જિલ્લામાં ગુંડારાજ! વાપીમાં ભંગારના વેપારીનું અપહરણ કરી બંધક બનાવી ઢોર માર મરાયો

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વલસાડ જિલ્લામાં ગુંડાગીરીના બનાવોમાં વધારો થતો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાપીમાં ભંગારનો વેપાર કરતા એક વેપારીનું અપહરણ કરી તેને આશરે 15 કલાક સુધી બંધક બનાવી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. માત્ર 50 હજાર રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ચાર શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.

કારમાં સીટ બેલ્ટથી બાંધીને વેપારીને માર માર્યો

મળતી માહિતી મુજબ આરોપીઓએ વેપારીને તેની જ કારમાં જબરદસ્તી બેસાડી દીધો હતો અને સીટબેલ્ટથી બાંધી દીધો હતો, જેથી તે ભાગી ન શકે. ત્યારબાદ તેને વાપીના પરેટી ગ્રાઉન્ડ અને સરીગામ ગૌશાળા નજીક લઈ જઈ લાકડી અને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન વેપારીને સતત ધમકીઓ આપવામાં આવી અને પૈસા ચુકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

ભીલાડ પોલીસ સ્ટેશનમાં વેપારીએ નોંધાવી ફરિયાદ

આરોપીઓએ વેપારીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. લગભગ 15 કલાક સુધી ચાલેલી આ હેરાનગતિ બાદ અંતે વેપારીના એક મિત્રની મધ્યસ્થીથી મામલો શમ્યો અને તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં છૂટેલા વેપારીએ સમગ્ર ઘટનાની જાણ ભીલાડ પોલીસ મથકે કરી ચાર શખ્સો વિરુદ્ધ અપહરણ, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. જિલ્લામાં વધતા ગુનાખોરીના બનાવોને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *