વાપીની આરસીએલ (RCL) કોલોનીમાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વાપી પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની ચોંકાવનારી વિગત એ છે કે, જે ઘરમાં ચોરી થઈ તે ઘરની સફાઈ કરતા કર્મચારીએ જ પોતાના મિત્ર સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો. વેપારીના માતાનું નિધન થયું હોવાથી તેઓ ઘર બંધ કરીને મહારાષ્ટ્ર ગયા હતા, જેનો લાભ ઉઠાવીને આ શખ્સોએ કુલ 24.5 તોલા સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સફાઈકર્મી સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની મોટી સફળતા
આરોપીઓ પોલીસની પકડથી બચવા માટે અત્યંત ચાલાકી વાપરી હતી અને ચોરી કરેલો તમામ મુદ્દામાલ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધો હતો. જોકે, પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેમણે ગુનો કબૂલ્યો હતો. પોલીસની ટીમ આરોપીઓને સાથે રાખી દાગીના જ્યાં દાટ્યા હતા તે સ્થળે પહોંચી હતી અને જમીનમાંથી દાગીના કબજે કર્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઘરમાં કામ કરતા માણસોની તપાસ અને વિશ્વાસ રાખવામાં સાવચેતી રાખવી કેટલી જરૂરી છે.
આ પણ વાંચો : Ahmedabad News : MK શાહ મેડિકલ કોલેજ રેગિંગ વિવાદ, 3 સભ્યોની કમિટી તપાસ કરશે, ડીને કર્યો મોટો ખુલાસો
