
અધિકારીઓએ કારમાંથી ઉતરી પગપાળા ચાલવું પડયું: ટ્રાફિક નિયમનનો અભાવ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોનો મુદ્દો પ્રભારી મંત્રી વાઘાણી સુધી પહોંચ્યો તો તેણે કહ્યું :અહીં મોટા પુલની જરૂર છે
રાજકોટ, : રાજકોટમાં મોરબી રોડ ઉપર ગઈકાલે રિજીયન વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યા બાદ આજે દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ તેમજ ગાંધીનગરથી મંત્રીઓ અને સચિવો, અધિકારીઓનો કાફલો ઉતરી પડતા સવારના ૩ કલાક સુધી રસ્તાઓ ઉપર વીઆઈપી કાર ટ્રાફિક જામમાં ફસાઈ હતી. કલાકો સુધી એમ્બ્યુલન્સ પણ નીકળી શકી નહોતી. આ મુદ્દો આજે રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વઘાણી સુધી પહોંચ્યો ત્યારે ટ્રાફિક નિયમનની અનિવાર્યતા દર્શાવવાને બદલે તેઓએ અહી મોટાપુલની જરૂરિયાત હોવાનું દર્શાવતા સોશ્યલ મીડીયામાં આ મુદ્દો ચર્ચાસ્પદ બની રહ્યો હતો.
રાજકોટમાં મોરબી રોડ ઉપર રિજીયનલ વાઈબ્રન્ટ સમિટના આજે બીજા દિવસે એક જ દિવસમાં જુદા જુદા ટેન્ટમાં 41 સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાને લીધે સેમિનારમાં હાજરી આપવા સચિવો અને અધિકારીઓની દોડધામ દિવસભર ચાલતી રહી હતી.
