વ્યારાના ઇન્દુ ખાતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં જેતવાડી ગામની 16 વર્ષીય સેજલકુમારી રાકેશભાઈ ગામીત અભ્યાસ કરતી હતી. ઘટનાની વિગત મુજબ વહેલી સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં સેજલ હોસ્ટેલમાં નાસ્તો કરવા માટે ગઈ હતી. નાસ્તો કરતી વખતે અચાનક તેને ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડી હતી.
હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત
બનાવને પગલે સ્કૂલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. પ્રિન્સિપાલના ખાનગી વાહન મારફતે તાત્કાલિક સેજલને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પીએમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે
મૃતક વિદ્યાર્થિની ક્રિસમસની રજાઓ પૂરી કરીને ગત સાંજે જ હોસ્ટેલમાં હાજર થઈ હતી. તેના મોતના સમાચાર મળતા જ વાલીઓ અને સગા-સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોતનું કારણ હાર્ટ એટેક છે કે અન્ય કોઈ બીમારી.
