અમદાવાદના થલતેજ એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલમાં આવેલી ‘ઓરા ફાઇન જ્વેલરી’માં થયેલી ચોરીનો ભેદ વસ્ત્રાપુર પોલીસે ઉકેલી કાઢ્યો છે. શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો દર્શન અશ્વિન સોની જ ચોરીનો આરોપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે રૂ. 5,90,242ના સોના અને ડાયમંડના દાગીનાની ચોરીના આરોપસર તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
‘બેગ ભૂલી ગયો છું’ કહી મેળવી ચાવી
17 ઓગસ્ટના રોજ જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના બની હતી. આરોપી છેલ્લા 10 મહિનાથી શોરૂમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. પોલીસે કરેલી તપાસ મુજબ, દર્શન સોનીએ પોતાના સાથી કર્મચારીને ‘બેગ ભૂલી ગયો છું’ તેવું બહાનું આપીને શોરૂમની ચાવી મેળવી હતી. ચાવી મળ્યા બાદ આરોપીએ રાત્રિના સમયે શોરૂમ ખોલી અંદરથી સોના અને ડાયમંડના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
ચોરી બાદ નોકરી છોડી મોજશોખમાં ફર્યો
ચોરીની ઘટના બાદ આરોપી ફરી નોકરી પર ગયો નહોતો અને અલગ-અલગ સ્થળોએ ફરવા જઈ મોજશોખ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગર્લફ્રેન્ડ અને મોજશોખ પાછળ નાણાંની જરૂરિયાત હોવાથી ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
કેટલાક દાગીના માણેકચોકમાં આપ્યાની વિગતો
તપાસ દરમિયાન આરોપીએ ચોરી કરેલા કેટલાક દાગીના માણેકચોકના એક વ્યક્તિને આપ્યા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે આ દાગીના કોને, કયા હેતુથી અને કઈ રીતે આપવામાં આવ્યા તેની તપાસ શરૂ કરી છે. ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અગાઉ 13 જેટલા ગુના નોંધાયેલા
આરોપી મૂળ પાટણનો અને હાલ અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તે ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ અલગ-અલગ પ્રકારના આશરે 13 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Supreme Courtનો મોટો નિર્ણય, દારૂ તસ્કરીમાં જપ્ત વાહન વર્ષો સુધી સડશે નહીં, 15 લાખની શરતે ટ્રક છોડવાનો આદેશ
