વડોદરા શહેરના ખોડિયાર નગર વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ક્રેનના ચાલકે બાઈક સવારને જોરદાર અડફેટે લેતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બાઈક પાછળ બેસેલી મહિલાનું કમકાતીભર્યું મોત
મળતી માહિતી મુજબ, ક્રેને બાઈકને અડફેટે લેતાં બાઈક પર પાછળ બેસેલી મહિલા જમીન પર પટકાઈ હતી અને ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તાત્કાલિક સ્થાનિક પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.
પાલિકાના કોન્ટ્રાક્ટ પર ચાલતી હતી ક્રેન
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર ક્રેન વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
