'મોદીએ ચેતવ્યા હતા, અમે સાંભળ્યું નહીં':બેલ્જિયમના PM બોલ્યા- 'ચીન-અમેરિકા પર નિર્ભરતા ભારે પડી રહી છે, યુરોપ પોતાની સુરક્ષા પણ નથી કરી શકતું'

📅 Published: September 4, 2026 | 📂 Category: International

બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે ગુરુવારે જણાવ્યું હતું કે યુરોપને હવે આર્થિક નિર્ભરતાનો ખતરો સમજાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપને આ વિશે પહેલા ચેતવ્યા હતા. દિલ્હીમાં CIIના કાર્યક્રમમાં તેમણે કહ્યું- દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, પરંતુ યુરોપ આ બદલાવ સાથે તાલ મિલાવી શકતું નથી. તે વૃદ્ધ થઈ ગયું છે. વેવરના મતે ચીન અને અમેરિકા, યુરોપથી ઘણા આગળ નીકળી ગયા છે. ઇનોવેશન અને પ્રોડક્ટિવિટીમાં યુરોપ ઘણું પાછળ રહી ગયું છે, તેથી તેને ચારે બાજુથી આંચકા લાગી રહ્યા છે. તે પોતાની જાતનું પણ રક્ષણ કરી શકતું નથી. ‘યુરોપને દરેક સમયે અપમાનિત થવું પડે છે’ ડી વેવરે કહ્યું કે યુરોપની નબળાઈ માત્ર અર્થતંત્ર પૂરતી સીમિત નથી. યુરોપિયન દેશો પોતાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી જાતે ઉઠાવવાની સ્થિતિમાં પણ નથી. યુરોપને દરેક સમયે અપમાનિત થવું પડે છે. વેવરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે યુરોપિયન દેશો પર પોતાની સુરક્ષાની વધુ જવાબદારી જાતે ઉઠાવવાનું દબાણ વધી રહ્યું છે. ટ્રમ્પ લાંબા સમયથી NATOના યુરોપિયન દેશોને સંરક્ષણ પર વધુ પૈસા ખર્ચ કરવા કહેતા રહ્યા છે. 2017થી તેમણે NATO દેશોને પોતાની GDPના ઓછામાં ઓછા 2% સંરક્ષણ પર ખર્ચ કરવા પર ભાર મૂક્યો. 2018માં તેમણે તેને વધારીને 4% કરવાની વાત કરી. આ પછી 2025માં NATO દેશોએ 2035 સુધીમાં સંરક્ષણ અને સુરક્ષા પર GDPના 5% ખર્ચ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. વેવરે કહ્યું- હવે અમે સાંભળી રહ્યા છીએ. યુરોપને આ સમજણ થોડી મોડી આવી છે, પરંતુ હવે આ બદલાવ થઈ રહ્યો છે. તેમણે યુરોપની આ સ્થિતિને ‘રુડ અવેકનિંગ’ એટલે કે કડવી વાસ્તવિકતાથી જાગવું ગણાવ્યું. સસ્તી આયાતથી યુરોપની ઇન્ડસ્ટ્રી નબળી પડી વેવરે કહ્યું કે યુરોપે લાંબા સમય સુધી વિદેશી કંપનીઓને મોટા પાયે પોતાના બજારમાં સ્થાન આપ્યું. ઓછી કિંમતે આવતા સામાને યુરોપની સ્થાનિક કંપનીઓ માટે મુશ્કેલીઓ વધારી અને ધીમે ધીમે ત્યાંની ઇન્ડસ્ટ્રી નબળી પડતી ગઈ. તેમણે કહ્યું કે આ વ્યવસ્થાનો સૌથી વધુ ફાયદો જે દેશને થયો, તે યુરોપનો નજીકનો પાડોશી છે અને તેને બધા જાણે છે. ડી વેવરે દેશનું નામ લીધું નહીં, પરંતુ તેમના આ નિવેદનને ચીન તરફ ઇશારો માનવામાં આવી રહ્યો છે. ભારતને ગણાવ્યો ‘નંબર-1’ વ્યૂહાત્મક ભાગીદાર ડી વેવરે ભારતને યુરોપનો સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો. તેમણે કહ્યું કે યુરોપને એવા દેશો સાથે સંબંધો મજબૂત કરવા જોઈએ, જે સહયોગ અને પરસ્પર સન્માનમાં વિશ્વાસ રાખતા હોય. તેમણે કહ્યું, જો ભારત આ યાદીમાં નથી, તો તમે એક ખૂબ મોટી વાત ચૂકી ગયા છો. ભારત આ યાદીમાં છે અને નંબર-1 પર છે. ડી વેવરે કહ્યું કે ભારતની ઝડપી આર્થિક પ્રગતિ, મોટી અને કુશળ વસ્તી અને મજબૂત ટેકનોલોજી ક્ષમતા યુરોપ માટે પણ ફાયદાકારક છે. તેમણે કહ્યું કે બંને વચ્ચે વેપાર, રોકાણ, ટેકનોલોજી અને સપ્લાય ચેઇનના ક્ષેત્રમાં સહયોગ વધારી શકાય છે. PM બોલ્યા- અમીરો પર ટેક્સ વધારવાથી કામ નહીં ચાલે ડી વેવરની આ ચિંતાઓ એવા સમયે સામે આવી છે, જ્યારે બેલ્જિયમ સરકાર પોતે મોટા બજેટ કાપના નિર્ણયોની તૈયારી કરી રહી છે. સરકારનો લક્ષ્ય 2029 સુધીમાં લગભગ 10 અબજ યુરો એટલે કે 11.7 અબજ ડોલરની બચત કરવાનો છે. વડાપ્રધાને સ્વીકાર્યું કે આ નિર્ણયોની અસર દેશના લગભગ દરેક વર્ગ પર પડશે. તેમણે કહ્યું, “હું સારી રીતે ઊંઘી શકતો નથી અને આ વિશે ખૂબ વિચારું છું.” ડી વેવરે કહ્યું કે બજેટની ખોટ ફક્ત અમીરો પર વધુ ટેક્સ લગાવીને પૂરી કરી શકાતી નથી. જ્યારે, ખર્ચમાં ઘટાડા અંગે તેમણે કટાક્ષ કરતા કહ્યું, “દરેક વ્યક્તિ વિચારે છે કે જો બચત કરવી હોય તો તેનો ખર્ચ મારા પાડોશી પર પડે, મારા પર નહીં.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *