‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી..’ ના નાદ સાથે વડોદરામાં રાત્રે 12ના ટકોરે શહેરીજનોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. વડોદરા શહેરના વડસર રોડ પર આવેલી વલ્લભ રેસીડેન્સીમાં મટકી ફોડીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અને આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં. વહેલી સવારથી ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ સ્વામિનારાયણ મંદિરો સહિત રામજી મંદિરોમાં શ્રી કૃષ્ણના વધામણા કરતા ભજનો અને ક્રિષ્ણ કનૈયાલાલ કી જયના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. તો બીજી બાજુ મંદિરોમાં આસોપાલવના તોરણ અને ફૂલોથી મંદિરોને શણગારવામાં આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા ઘેલા બનેલા શ્રધ્ધાળુઓ પણ મંદિરમાં તોરણો બનાવવાની કામગીરીમાં લાગ્યા હતા. આજે રાત્રે 12 ના ટકોરે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણને વધાવવા માટે સજ્જ થયેલા શહેરીજનોનો મોડી રાત્રે મંદિરોમાં ભારે ઘસારો કર્યો હતો. મંદિરના વહીવટ કર્તાઓ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્તનું આયોજન કરી દેવામાં આવ્યું હતું.
વડોદરામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી:'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી'ના નાદ સાથે શહેરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ, ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો
📅 Published: September 4, 2026 |
📂 Category: gujarati-news
