કેરળના ત્રિશૂર જિલ્લામાં નેશનલ હાઇવે 66 પર એક અત્યંત હૃદયકાંપક અને ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. શુક્રવારે રાત્રે આશરે 11:40 વાગ્યે ત્રિશૂર નજીક આવેલા કૈપમંગલમના પનમ્બિક્કુન્નુ સેન્ટર પાસે આ ઘટના બની હતી. ઝડપભેર જઈ રહેલી એક કાર રોડ સાઈડ પર ઊભેલી માલવાહક ટ્રક પાછળ ધડાકાભેર અથડાતાં કારનો કૂચડો વળી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર તમામ 8 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
તમિલનાડુના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું
પોલીસ અને સ્થાનિક સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક વિગતો મુજબ, મૃતક તમામ યુવાનો પડોશી રાજ્ય તમિલનાડુના રહેવાસી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હતા. કાર તમિલનાડુ પાસિંગની હતી અને તેઓ ગુરુવાયુરથી કોડુંગલ્લુર તરફ જઈ રહ્યા હતા. મૃતકોમાં વિશ્વ (સાલેમ), સૂર્યા અને યુવા સંજીત (દિંડીગુલ) તેમજ સંતોષ અને પ્રસન્ના (મદુરાઈ) સહિતના યુવાનોનો સમાવેશ થાય છે.
સ્થાનિકો અને પોલીસે રેસ્ક્યૂ કરી મૃતદેહો બહાર કાઢ્યા
અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કાર એટલી હદે ટ્રક નીચે ઘૂસી ગઈ હતી કે, કારના પતરાં કાપીને ક્રેનની મદદથી યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ 8 યુવાનોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
પોલીસ તંત્ર દ્વારા તમામ મૃતદેહોને કબ્જે કરીને પોસ્ટ મોર્ટમ અર્થે ત્રિશૂર મેડિકલ કોલેજના મોર્ચરીમાં મોકલી આપવામાં આવ્યા છે. કૈપમંગલમ પોલીસ સ્ટેશને આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gujarat Latest News Live: આજે રાજ્યમાં થશે શિક્ષક દિનની ઉજવણી, વાંચો પળેપળની અપડેટ
