સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. જહાંગીરપુરાથી વરિયાવ તરફ જતા મુખ્ય માર્ગ નજીક આવેલા સર્વિસ રોડ પર વચ્ચોવચ ગટરનું ઢાંકણું ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યું છે. ધમધમતા એવા આ માર્ગ પરથી દરરોજ હજારો રાહદારીઓ તેમજ નાના-મોટા વાહનચાલકો પસાર થાય છે, ત્યારે રસ્તાની બરાબર વચ્ચે મોં ફાડીને પડેલી આ ખુલ્લી ગટર સીધેસીધું અકસ્માતને આમંત્રણ આપી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદી માહોલમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે આ ખુલ્લો ખાડો વાહનચાલકો માટે મોતના કૂવા સમાન સાબિત થઈ શકે તેમ છે. રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ, સાવચેતીનું બોર્ડ પણ નથી
આ સમગ્ર પરિસ્થિતિને જોતાં સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. લાખોના બજેટ અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વહીવટી તંત્રને આ ખુલ્લી ગટર નજરે કેમ નથી ચડતી તે એક મોટો પ્રશ્ન છે. શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના ઘટે અથવા કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ ગુમાવે તેની રાહ જોઈને બેઠા છે? ગટરના ઢાંકણા વગરનો આ ખાડો રાહદારીઓ અને વાહનચાલકો માટે સતત જોખમ ઊભું કરી રહ્યો છે, છતાં પણ ઝોન કચેરી દ્વારા આ બાબતે કોઈ તાકીદની કામગીરી કે સાવચેતીનું બોર્ડ પણ મુકવામાં આવ્યું નથી. બે વર્ષ પહેલાં આવી જ રીતે ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હતી
ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારમાં ભૂતકાળમાં એટલે કે આશરે બે વર્ષ પહેલાં આવી જ રીતે ખુલ્લી ગટરમાં ખાબકી જવાથી એક નિર્દોષ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આટલી મોટી અને હૃદયદ્રાવક ઘટના બની હોવા છતાં રાંદેર ઝોનનું વહીવટી તંત્ર કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. જો તાત્કાલિક ધોરણે આ ખુલ્લી ગટર પર મજબૂત ઢાંકણું બેસાડીને રસ્તો સુરક્ષિત નહીં કરવામાં આવે, તો ગમે તે ઘડીએ ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.
જહાંગીરપુરા-વરિયાવ રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લી હાલતમાં:રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ, શું એક નિર્દોષનો જીવ ગયા પછી જ પાલિકાની ઊંઘ ઊડશે?
📅 Published: September 5, 2026 |
📂 Category: gujarati-news
