County Championship : ડેબ્યૂમાં જ બન્યો હીરો, આકિબ નબીએ વિનિંગ સિક્સર ફટકારી મચાવી ધમાલ!

📅 Published: September 5, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડ સામે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે.આ સીરિઝને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમના ઝડપી બોલિંગ વિભાગ સાથે જોડાયેલા આકિબ નબીને હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. જોકે,ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તેને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવા મોકલવામાં આવ્યો છે.

આકિબ નબીએ સરે તરફથી રમતા યોર્કશાયર સામેની મેચમાં કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં તેણે બોલિંગની સાથે બેટિંગમાં પણ પોતાની ક્ષમતા બતાવી હતી. તેણે મેચની બંને ઇનિંગ્સમાં કુલ 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મેચની ચોથી ઇનિંગ્સમાં સરેને જીત માટે જરૂરી રન સુધી પહોંચાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આકિબે કર્યો કમાલ 

યોર્કશાયર સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 1ની મેચમાં સરેને જીત માટે 185 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતી વખતે સરેની ટીમે 170 રન સુધીમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.આ સ્થિતિમાં આકિબ નબી બેટિંગ કરવા આવ્યો હતો. તેણે જોશ બ્લેક સાથે મળીને 9મી વિકેટ માટે 13 રનની મહત્વની ભાગીદારી કરી હતી. સરેને જ્યારે જીત માટે માત્ર 8 રનની જરૂર હતી ત્યારે આકિબે શાનદાર છગ્ગો ફટકારીને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી.આકિબે બેન કોએડની બોલિંગ પર લેગ સાઇડ તરફ જોરદાર છગ્ગો ફટકાર્યો હતો.જોકે,ત્યારબાદની જ બોલ પર તે 8 રનના વ્યક્તિગત સ્કોર પર કેચ આઉટ થઈ ગયો હતો.આકિબ આઉટ થયા બાદ ડેનિયલ વોરેલે ચોગ્ગો ફટકારીને સરેની જીત પર મહોર લગાવી હતી.આમ,આકિબ નબીએ પોતાની ડેબ્યૂ મેચમાં બેટિંગથી પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

બોલિંગમાં પણ આકિબે બતાવ્યો દમ

આકિબ નબી માટે આ મેચ માત્ર બેટિંગના કારણે જ યાદગાર રહી નથી.તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં તેણે યોર્કશાયર તરફથી રમતા ભારતીય ટીમના સ્પિન બોલર કુલદીપ યાદવને પોતાની પ્રથમ વિકેટ બનાવ્યો હતો.ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં પણ આકિબે મહત્વની વિકેટ ઝડપી હતી. પોતાની શાનદાર ઇનસ્વિંગ બોલ પર તેણે જેમ્સ વ્હાર્ટનને બોલ્ડ કરીને પેવેલિયન મોકલ્યો હતો.બંને ઇનિંગ્સને મળીને આકિબ નબીએ કુલ 20 ઓવર બોલિંગ કરી હતી. આ દરમિયાન તેણે 50 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલાં મહત્વનો અનુભવ

આકિબ નબીને ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા મોકલવાનો મુખ્ય હેતુ તેને અલગ પરિસ્થિતિમાં રમવાનો અનુભવ અપાવવાનો છે. ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિમાં ઝડપી બોલરોને મદદ મળી શકે છે અને ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો અનુભવ આકિબ માટે ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે.કાઉન્ટી ડેબ્યૂમાં બોલિંગની સાથે બેટિંગમાં પણ અસર છોડીને આકિબ નબીએ ટીમ મેનેજમેન્ટનું ધ્યાન ખેંચ્યું છે. હવે તેની આગળની મેચોમાં પણ તેના પ્રદર્શન પર નજર રહેશે.

આ પણ વાંચો – England Squad : શ્રીલંકા સામે વનડે અને T20 સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમ જાહેર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *