શ્રીલંકા સામે રમાનારી T20 અને વનડે સીરિઝ માટે ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને સીરિઝ માટે 16-16 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં 2 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. ઓપનિંગ બેટર એન્યુરિન ડોનાલ્ડને પ્રથમ વખત T20 ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે બોલર હેનરી ક્રુકોમ્બેને વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. બંને ખેલાડીઓએ હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
જામી ઓવર્ટનની ટીમમાં વાપસી
ઈજામાંથી સાજા થયા બાદ જામી ઓવર્ટનની બંને ટીમમાં વાપસી થઈ છે. જાંઘમાં ખેંચાણને કારણે તે ભારત સામેની શ્રેણીમાં રમી શક્યો નહોતો.બીજી તરફ ફિલ સોલ્ટ જાંઘની ઈજાના કારણે શ્રીલંકા સામેની શ્રેણીમાં રમી શકશે નહીં. જેકબ બેથેલના ઘૂંટણનું આ સપ્તાહની શરૂઆતમાં સફળ ઓપરેશન થયું હોવાથી તે પણ શ્રેણીમાંથી બહાર છે. સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન પણ ઈજાના કારણે ટીમનો ભાગ બની શક્યો નથી.
હેનરી ક્રુકોમ્બેનું શાનદાર પ્રદર્શન
હેનરી ક્રુકોમ્બેએ સસેક્સ તરફથી રમતા સતત 2 મેચમાં હેટ્રિક ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે જૂનમાં તેને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં બેકઅપ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.જોકે, ક્રુકોમ્બેને મર્યાદિત ઓવરની ક્રિકેટમાં હજુ વધારે અનુભવ નથી. ઇંગ્લેન્ડના પસંદગીકાર માર્કસ નોર્થે જણાવ્યું કે તેઓ સમગ્ર સિઝન દરમિયાન તેના પ્રદર્શન પર નજર રાખી રહ્યા હતા.ક્રુકોમ્બે આગામી સિઝનથી 3 વર્ષના કરાર સાથે સરે ટીમ સાથે જોડાશે. નોર્થે એન્યુરિન ડોનાલ્ડ અને હેનરી ક્રુકોમ્બેને ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા 2 ઉભરતા ખેલાડીઓ ગણાવ્યા છે.
વનડે ટીમમાં મોટા ફેરફાર
જુલાઈમાં ભારતને 2-1થી હરાવનારી ઇંગ્લેન્ડની વનડે ટીમમાં હવે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હેનરી ક્રુકોમ્બે, જામી ઓવર્ટન, જોની બેકર અને જોર્ડન કોક્સને ટીમમાં સ્થાન મળ્યું છે.બીજી તરફ બ્રાયડન કાર્સ, જેમ્સ કોલ્સ, સાકિબ મહમૂદ, જેકબ બેથેલ અને સેમ કરન ટીમમાંથી બહાર થયા છે. જોકે જેમ્સ કોલ્સ અને સાકિબ મહમૂદ T20 ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.બ્રાયડન કાર્સને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. નાઇટ ક્લબની ઘટનાને પગલે તે ઇંગ્લેન્ડની ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે.
ઇંગ્લેન્ડની T20 ટીમ
હેરી બ્રૂક (કપ્તાન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, સોની બેકર, ટોમ બેન્ટન, જોસ બટલર, જેમ્સ કોલ્સ, જોર્ડન કોક્સ, લિયમ ડોસન, એન્યુરિન ડોનાલ્ડ, બેન ડકેટ, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, જામી ઓવર્ટન, આદિલ રાશિદ અને જોશ ટંગ.
ઇંગ્લેન્ડની વનડે ટીમ
હેરી બ્રૂક (કપ્તાન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, ટોમ બેન્ટન, સોની બેકર, જોસ બટલર, જોર્ડન કોક્સ, હેનરી ક્રુકોમ્બે, લિયમ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, જામી ઓવર્ટન, આદિલ રાશિદ, જો રૂટ અને જોશ ટંગ.
આ પણ વાંચો – India vs Pakistan : દુબઈમાં બેટ્સમેન કરશે કમાલ કે બોલરોનો રહેશે દબદબો? જાણો પિચ રિપોર્ટ
