સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા નજીક બનેલી સસ્પેન્સ હત્યાની ઘટના પરથી પોલીસે આખરે પડદો ઊંચક્યો છે. માણસા સ્થિત IIFL બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરીની હત્યા કેસમાં પોલીસે સત્તાવાર ખુલાસો કર્યો છે કે 4.50 લાખની લોન ન ભરવી પડે તે માટે કાવતરું રચીને તેમની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
મહિલા આરોપીની અટકાયત કરાઇ
આ મામલે પોલીસે કાર્યવાહી કરીને ભાવનાબેન ઉર્ફે ભાવુ રોહિતજી ઠાકોર નામની મહિલા આરોપીની અટકાયત કરી છે, જ્યારે તેના પ્રેમી અને મુખ્ય આરોપી યોગેશજી ગોકાળજી ઠાકોરની શોધખોળ હાથ ધરી છે.
મહિલા સહ-આરોપી ભાવનાબેનને ગાડીમાં સાથે બેસાડી
ગત 2 સપ્ટેમ્બર 2026ના રોજ બેંક મેનેજર ભરતભાઈ ચૌધરી પોતાની સફેદ વર્ના ગાડી લઈને માણસાથી નીકળ્યા હતા. જ્યાંથી તેઓ પ્રાંતિજ પહોંચ્યા હતા અને ત્યાંથી મહિલા સહ-આરોપી ભાવનાબેનને ગાડીમાં સાથે બેસાડી હતી. ત્યારબાદ તેઓ વડવાસા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા હતા, જ્યાં તકનો લાભ ઉઠાવીને ગાડીમાં બેસેલી મહિલા અને તેના પ્રેમી યોગેશજીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ભરતભાઈની હત્યા કરી નાખી હતી.
ગાડી અને મૃતદેહને ઘટનાસ્થળે જ છોડીને ફરાર
હત્યા કર્યા બાદ આરોપીઓ મેનેજરના મૃતદેહને વર્ના ગાડીમાં જ મૂકીને નિકાલ કરવા જઈ રહ્યા હતા. જોકે, રસ્તામાં ગાડી રિવર્સ લેતી વખતે ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે આરોપીઓ ગાડી અને મૃતદેહને ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયા હતા.
ખૂની ખેલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી
લોનની રકમ ચૂકવવામાંથી બચવા માટે રચાયેલા આ ખૂની ખેલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી છે અને ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ
