Morbi: વાંકાનેરના માટેલ રોડ પર રોલ સ્ટાર સિરામિકમાં ભીષણ આગ; 5 ફાયર ફાઇટર સ્થળ પર

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

મોરબી જિલ્લાના સિરામિક હબ ગણાતા વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલી ‘રોલ સ્ટાર સિરામિક’ ફેક્ટરીમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. કારખાનાના ઓફિસ તરફના હિસ્સામાંથી અચાનક આગના લપેટા અને ધુમાડાના ગોટા નીકળતા જોઈને ત્યાં ફરજ પરના કર્મચારીઓ અને સિક્યોરિટી સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

સિરામિક કારખાનામાં મોડી રાત્રે લાગી આગ

આગની તીવ્રતા એટલી વધુ હતી કે જોતજોતામાં તેણે ઓફિસ વિભાગના મોટા ભાગને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. બનાવ અંગે તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વાંકાનેર અને મોરબી ફાયર સ્ટેશનથી તાત્કાલિક 5 જેટલા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયર ફાઇટર ટીમોએ સ્થળ પર પહોંચીને ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ વધુ પ્રસરે નહીં તે માટે કાબૂ મેળવવાના સતત પ્રયાસો હાથ ધર્યા છે.

આગ ફાટી નીકળતાં મચી દોડધામ

વાંકાનેર અને મોરબી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત વોટર કેનનનો ઉપયોગ કરીને આગને ફેક્ટરીના ઉત્પાદન વિભાગ સુધી પહોંચતી અટકાવવામાં આવી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ પૂરેપૂરી ઓલવાયા બાદ જ કમ્પ્યુટર, ફર્નિચર અને ઓફિસ રેકોર્ડ સહિતના કિંમતી સામાનને થયેલા આર્થિક નુકસાનનો સાચો અંદાજ આવી શકશે.

આ પણ વાંચો:  Surat: અડાજણ-રાંદેરની સૌથી મોટી 40 ફૂટની મટકી પર ગોવિંદાઓની રમઝટ, નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *