Ahmedabad: બોગસ દસ્તાવેજોના આધારે 14.50 કરોડની ઠગાઈ આચરનાર મધ્ય પ્રદેશથી ઝડપાયો, 64 બેંક એકાઉન્ટ અને 4 કરોડ ફ્રીઝ

📅 Published: September 5, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવીને કરોડો રૂપિયાનું બેંક લોન કૌભાંડ અને ઇન્વેસ્ટર ફ્રોડ આચરનાર માસ્ટરમાઇન્ડ નિલેષ કોઠીયા અને તેના સાગરીત દીપક આહુજાની ધરપકડ કરી છે. નિલેષ કોઠીયા છેલ્લા 6 વર્ષથી વાસણા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, નિકોલ, ચિલોડા, બાપુનગર તેમજ મુંબઈના 7 જેટલા ગંભીર ગુનાઓમાં ફરાર હતો. વાસણા પોલીસે બાતમીના આધારે મધ્ય પ્રદેશના બૈતુલ ખાતે દરોડો પાડી તેની અટકાયત કરી છે.

અમદાવાદમાં બોગસ દસ્તાવેજોના આધારે ઠગાઈ

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 14.30 લાખની કિંમતની કિયા કાર, 6 સ્માર્ટફોન અને લેપટોપ જપ્ત કર્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન આરોપીઓના 64 બેંક ખાતા શોધી કાઢી તેમાં રહેલા રૂ. 20 લાખ ફ્રીઝ કરાવ્યા છે, જ્યારે D.R.T. કોર્ટ મુંબઈ ખાતે પ્રોસીડિંગ્સ હેઠળના રૂ. 4 કરોડ પણ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે. આરોપીઓ લોન એજન્ટ કે પ્રોપર્ટી મોર્ગેજર તરીકે ઓળખ આપી બેંક મેનેજરો અને વેલ્યુઅરો સાથે સાંઠગાંઠ કરતા હતા. વાસણા દેના બેંકમાંથી આરોપીઓએ ફરિયાદીના નવરંગપુરા સ્થિત બંગલાના કૂટલેખિત અને બોગસ દસ્તાવેજો રજૂ કરી રૂ. 90 લાખની મોર્ગેજ લોન પાસ કરાવી લીધી હતી, જેમાંથી રૂ. 65 લાખ પોતાની શેલ પેઢી ‘સાંઈ એક્ઝિમ’ માં ટ્રાન્સફર કરી લીધા હતા.

હોંગકોંગમાં કંપની રજિસ્ટર કરાવી 20 શેલ કંપનીઓ ઊભી કરી

આરોપી નિલેષે વર્ષ 2020 માં હોંગકોંગ ખાતે ‘TAUSCHEN GROUP OF COMPANY’ નામની કંપની બનાવી માત્ર બે જ વર્ષમાં 20 જેટલી બોગસ કંપનીઓ ઊભી કરી હતી. આ શેલ કંપનીઓમાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયા પડાવ્યા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી નિલેષ કોઠીયા બોગસ અને બનાવટી દસ્તાવેજો બનાવવામાં માસ્ટર હતો, જ્યારે દીપક આહુજા સેટિંગ કરીને બેંકોમાંથી લોન મંજૂર કરાવવાનું કામ કરતો હતો. નિલેષ સામે બાપુનગરમાં ટ્રેડમાર્ક એક્ટ અને 138 નેગોશિયેબલ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ નોંધાયેલા છે, જેમાં એક કેસમાં તેને 1 વર્ષની જેલની સજા પણ થયેલી છે. સાગરીત દીપક આહુજા સામે પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 12 થી વધુ કેસ નોંધાયેલા છે.

આ પણ વાંચો: Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પેરા આર્ચરીનો પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજો નેક્સ્ટ રાઉન્ડમાં



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *