સાવલી નગરની ગંદકી સહિત પાયાની સુવિધાની અનદેખી મુદ્દે સાવલી નગર ભાજપ નામના વોટ્સએપ ગ્રૂપમાં ભાજપના કાર્યકરો દ્વારા પાલિકાના કોર્પોરેટરોને શોભાના ગાંઠિયા સમાન ગણાવીને પાલિકાને કોન્ટ્રાકટર અને પાલિકા કર્મચારીને દત્તક આપ્યાનો ઉલ્લેખ કરીને બળાપો વ્યક્ત કરતી પોસ્ટ વાઇરલ થતા ચકચાર મચી છે.
ભાજપ સાવલી નગરના ગ્રૂપમાં નગરપાલિકાની કામગીરીને લઈને આક્ષેપભર્યા મેસેજિસ વાઇરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. વાઇરલ મેસેજિસમાં નગર પાલિકાના મોટા ભાગના કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ નીરવ અને કોન્ટ્રાક્ટર રૂપેશ સાવલી નગર ચલાવે છે. તેવા આક્ષેપભર્યા મેસેજિસ પણ વાઇરલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં નીરવ શાહ નગરપાલિકામાં નોકરી કરતા હોવાનો તેમજ રૂપેશ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હોવાનો ઉલ્લેખ કરાયો છે. બંનેને લઈને નગરપાલિકાએ દત્તક આપ્યા હોય તેવો કટાક્ષ પણ કરાયો છે.
સત્તાધારી પક્ષના જ ગ્રૂપમાં નગરપાલિકાની કામગીરી અને જવાબદારો અંગે થયેલી આ ચર્ચાએ સાવલીના રાજકીય માહોલમાં ગરમાવો લાવ્યો છે. જોકે, વાઇરલ મેસેજિસમાં કરેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જ્યારે સાવલી ભાજપના ગ્રૂપમાં ભાજપના કાર્યકરો દ્વારા ભાજપની જ ચૂંટાયેલી પાંખ પર કટાક્ષ અને આક્ષેપો થતા સમગ્ર તાલુકામાં ભાજપની ભારે ફ્જેતી થઇ છે. જોકે આ મામલે સાવલી શહેર પ્રમુખ રચિત શાહે જણાવ્યું હતું કે, હું જન્માષ્ટમીમાં વ્યસ્ત હોઈ ધ્યાને નથી આવી. પરંતુ આ બાબતે તપાસ કરીને સમસ્યા હશે તો નિરાકરણ અને જે પણ કાર્યકરે આ પ્રકારની પોસ્ટ કરી હશે તો નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરાશે
જ્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને સાવલી પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે આ બાબતનો વિરોધ કરી રજૂઆતો કરતા હતા. પરંતુ હવે ભાજપના કાર્યકરો જ એવી ચર્ચા કરતા હોય કે કોર્પોરેટરો શોભાના ગાંઠિયા સમાન છે. નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર અને કર્મચારી પાલિકા ચલાવે છે તો એ અમારી વાત સાચી સાબિત થઇ છે. ભાજપ પાલિકામાં 20 વર્ષથી રાજ કરે છે. પરંતુ નગરજનોને પાયાની સુવિધા પૂરી પાડી શકી નથી.
