ધરમપુર કોલેજમાં મટકી ફોડના કાર્યક્રમમાં બબાલ બાદ હોસ્ટેલમાં ઘૂસી હુમલો, પાંચ વિદ્યાર્થીને ઈજા

📅 Published: September 5, 2026 | 📂 Category: Valsad

ધરમપુરની વનરાજ કોલેજમાં બે દિવસ પહેલા યોજાયેલા મટકી ફોડના કાર્યક્રમમાં મટકી ફોડવા બાબતે કોલેજના વિદ્યાર્થીઓ તેમજ હોસ્ટેલમાં રહીને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલીની અદાવત રાખીને એ જ રાત્રીના સમયે કોલેજના વિદ્યાર્થીઓ તેમજ એ.બી.વી.પી.ના કાર્યકરોનું ટોળું લાકડાંના દંડા, સ્ટમ્પ, લોખંડના પાઇપ સહિતના હથિયારો સાથે હોસ્ટેલમાં ધસી જઇને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ હોસ્ટેલમાં રીતસર આતંક મચાવી દઇને કરેલ હુમલામાં પાંચ વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી હતી. ધરમપુર પોલીસે કુલ 16 આરોપીઓ તથા અન્ય અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી 09 આરોપીઓની ધરપકડ કરી છે. ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા 03 સગીરોની અટક કરી છે. જ્યારે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

કોલેજમાં ટી.વાય.બી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિનય મહેશભાઇ ગાંવિતે ધરમપુર પો.સ્ટે.માં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 03-09-26ના રોજ કોલેજમાં જન્માષ્ટમી તહેવાર અનુસંધાને મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજની છોકરીઓએ મટકી ફોડવાનું હતું. મટકી ફોડવા બાબતે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ થતાં કોલેજના રાજ અમોપ્રકાશ ખરવાલ નામના વિદ્યાર્થી તથા તેની સાથેના અન્ય માણસો સાથે બોલાચાલી થઇ હતી. તે સમયે પોલીસ આવી જતા બંને પક્ષ વચ્ચે સમાધાન થતાં બધા છૂટા પડી ગયાં હતાં.

જે બાબતની અદાવત રાખીને કોલેજના વિદ્યાર્થી રાજ ખરવાલ, સાથી વિદ્યાર્થીઓ તથા અન્ય ઇસમોએ રાત્રે 8-30 વાગ્યાના સુમારે હોસ્ટેલમાં ધસી આવીને હોસ્ટેલના વિદ્યાર્થીઓને દંડા, લોખંડના પાઇપ તથા લાકડાના સ્ટમ્પથી માર માર્યો હતો. જે હુમલામાં હોસ્ટેલમાં રહેતા ઉમેશ દેવુભાઇ વાઘ (રહે. મોટી પલસાણ), નિતેશ પરષોતભાઇ (રહે. ધાટીયા ફળિયા, કપરાડા), સામેલ સાયલાભાઇ જાદવ (રહે. વેરીભવાડા), મેહુલ આનંદાભાઇ રાઉત (આંબાજંગલ), અને અમુલ ગુલાબભાઇ કોંતી (રહે. બુરલા, માળ ફળિયા)ને ગંભીર ઇજા થઇ હતી. બબાલ દરમિયાન હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ ભેગા થઇ જતા હુમલાખોરો તેમના વાહનોમાં બેસીને ભાગી છૂટયા હતા. વિનય ગાંવિતની ફરિયાદને આધારે ધરમપુર પોલીસે કુલ 16 આરોપીઓના નામજોગ અને અન્ય અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *