કીમમાંથી સિટી સરવે ઓફિસ ઓલપાડ ખસેડાતા 38 ગામના લોકોને પરેશાની

📅 Published: September 5, 2026 | 📂 Category: Surat

કીમ ખાતે છેલ્લા સાડા ચાર દાયકાથી કાર્યરત સિટી સરવે કચેરીને ઓલપાડ ખાતે ખસેડવામાં આવતા સ્થાનિક રહીશો અને મિલકતધારકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. પ્રાપ્તમાહિતી અનુસાર કીમ તેમજ આસપાસનાં 38 જેટલા ગામડાંઓમાં આવેલી મિલકત સંબંધિત રેકોર્ડ માટે લોકોને કીમ ખાતે આવેલી સિટી સરવે કચેરી નજીક પડે છે. અને કીમની સિટી સરવે કચેરી જર્જરિત બની ગઈ છે. ગાંધીનગર સ્થિત મહેસૂલ વિભાગ દ્વારા કીમ ખાતે બીએસએનએલ એક્સચેન્જની બાજુમાં અંદાજિત 1 કરોડનાં ખર્ચે સિટી સરવેની નવી કચેરી બનાવાઈ છે, તેનું ઉદ્ઘાટન બાકી છે ત્યારે સરકારે અચાનક કીમની સિટી સરવે કચેરીને કાયમી તાળા મારી ઓલપાડ સેવા સદનમાં ખસેડી દીધી છે તેમજ કીમ વિભાગના મહેસૂલી રેકર્ડની માહિતી ધરાવતા સર્વેયરની અચાનક ઉમરપાડા બદલી કરી દેવામાં આવી હતી. હવે કીમની નવી સિટી સરવે કચેરી ખંડિયર બની જશે. બીજી તરફ 38 જેટલા ગામડાંઓના હજારો મિલકતધારકોને પોતાના કામ માટે ઓલપાડ સુધી ધરમના ધક્કા ખાવાની નોબત ઊભી થશે.1981નાં વર્ષની આસપાસ કીમ ગામનો સિટી સરવેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે મુખ્ય બજાર વિસ્તારમાં જૂની પંચાયત કચેરી નજીક સિટી સરવે ઓફિસ શરૂ કરાઇ હતી. ત્યારબાદ બાઇની જીન રોડ પર આવેલા પીડબ્લ્યુડી કેમ્પસમાં વર્ષો સુધી આ કચેરી ધમધમતી રહી હતી, જેથી કીમ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાની મિલકતો સંબંધિત વિવિધ કામગીરી ઘરઆંગણે જ સરળતાથી પતી જતી હતી.

પ્રોપર્ટી કાર્ડની નકલો ઓનલાઇન ઉપલબ્ધ હોવા છતાં ગ્રામીણ સ્તરે સામાન્ય લોકો માટે તેનો ઉપયોગ કરવો અત્યંત જટિલ બની રહે છે. ખાસ કરીને મિલકતોના ખરીદ-વેચાણની એન્ટ્રી કરાવવા માટે લોકોને નોકરી ધંધામાં રજા પાડી ફરજિયાતપણે ઓલપાડ સુધી લાંબા થવું પડે છે. ઘણીવાર કલાકો સુધી સર્વર બંધ હોવાથી કે જવાબદાર અધિકારીઓ કચેરીમાં હાજર હોવાથી અરજદારોને વારંવાર ધક્કા ખાવાની નોબત આવે છે જેથી સમય તેમજ નાણાંનો વ્યય થાય છે. આ મામલે કીમના સરપંચ પ્રવીણ પટેલે ઉચ્ચ કક્ષાએ કીમ ખાતે જ કચેરી કાર્યરત રાખવા રજૂઆત કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *