વિજલપોરમાં મુંબઈના ગોવિંદા પથકે 40 ફૂટ ઊંચી દહીંહાંડી ફોડી:માનવ મિનારો રચી ₹75,000નું ઇનામ જીત્યું, ધારાસભ્ય આર.સી. પટેલ ઉપસ્થિત રહ્યા

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

નવસારીના વિજલપોર સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે દહીંહાંડી મહોત્સવનું આયોજન કરાયું હતું. ભારતીય જનતા યુવા મોરચા (BJYM) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ સહિત સ્થાનિક નગરસેવકો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ દહીંહાંડી મહોત્સવમાં મહારાષ્ટ્રના મુંબઈથી જાણીતું ‘વિશ્વ શાંતિ દહીં હાંડી ગોવિંદા પથક’ મુખ્ય આકર્ષણ હતું. ગોવિંદાઓએ 35 થી 40 ફૂટ ઊંચાઈએ બાંધવામાં આવેલી મટકી સુધી પહોંચવા માટે ઊંચા માનવ મિનારા રચ્યા હતા. તેમણે સાહસ અને સંતુલનનું અદભુત પ્રદર્શન કર્યું હતું. આખરે સફળતાપૂર્વક દહીંહાંડી ફોડીને મુંબઈના પથકે ₹75,000નું રોકડ ઇનામ જીત્યું હતું. દહીંહાંડીના મુખ્ય આયોજક સોનુ પાટીલે જણાવ્યું હતું કે, “વિજલપોરના છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વર્ષોથી દહીંહાંડી ઉત્સવનું સફળતાપૂર્વક આયોજન થાય છે. ધારાસભ્ય આર.સી. પટેલ સાહેબ દર વર્ષે અમારી સાથે જોડાઈ ઉત્સાહ વધારવા આવે છે. કાર્યક્રમની ખાસિયત જાળવી રાખવા માટે અમારી ટીમ દર વર્ષે મટકી બાંધવાનું સ્ટ્રક્ચર અને આકર્ષણ અલગ રીતે તૈયાર કરે છે.” કાર્યક્રમ દરમિયાન ‘ગોવિંદા આલા રે ગોવિંદા’ના નારા અને ડીજેના તાલ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મટકી ફોડના દ્રશ્યો જોવા માટે વિજલપોર અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં નગરજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *