ગોધરાથી અંબાજી પગપાળા સંઘનું 38મા વર્ષે પ્રસ્થાન:45 માઈભક્ત જોડાયા, 1989માં સ્થપાયેલો પંચમહાલ-દાહોદનો પ્રથમ સંઘ

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

ગોધરાથી અંબાજી પગપાળા સંઘનું 38મા વર્ષે પ્રસ્થાન થયું છે. શ્રી જય અંબે પગપાળા સંઘ ગોધરા દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું છે. વર્ષ 1989માં સ્થપાયેલો આ સંઘ પંચમહાલ અને દાહોદ જિલ્લાનો પ્રથમ પગપાળા સંઘ હોવાનું કહેવાય છે. આજે ગોધરાના મહાવીર નગર સ્થિત કૈવલ વિનાયક શુક્લ ખાતેથી 45 જેટલા માઈભક્તોએ અંબાજી ધામ તરફ પ્રસ્થાન કર્યું. ધાર્મિક વિધિ-વિધાન સાથે ભક્તો ઉત્સાહભેર યાત્રાએ નીકળ્યા હતા. આ યાત્રામાં વિનાયક શુક્લ, પપ્પુભાઈ સોની, કાંતિલાલ પારેખ, કેયુર રાણા, ભરતભાઈ પરમાર, નિલેશભાઈ પરમાર, રાજ શુક્લ અને હાર્દિક સોની સહિત મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા છે. પદયાત્રીઓના પ્રસ્થાન સમયે ગોધરા બ્રહ્મ સમાજ, ગાયત્રી સિનિયર સિટીઝન ગ્રુપ અને ભારત વિકાસ પરિષદના આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ પદયાત્રીઓને નાળિયેર અને પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી. શ્રી જય અંબે પગપાળા સંઘ 10 સપ્ટેમ્બરે ખેડબ્રહ્મા, 12 સપ્ટેમ્બરે અંબાજી ધામ અને 13 સપ્ટેમ્બરે પવિત્ર ગબ્બર ગોખ ખાતે પહોંચશે. ત્યાં ધજાજી અર્પણ કરી આ પગપાળા યાત્રાનું સમાપન કરાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *