દુબઈમાં રમાઈ રહેલા મહિલા T20 એશિયા કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગ્રુપ-Aની પોતાની છેલ્લી મેચમાં પાકિસ્તાનને એકતરફી મુકાબલામાં 7 વિકેટે હરાવ્યું. 5 સપ્ટેમ્બરે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરીને પાકિસ્તાનની સમગ્ર ટીમને માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારત તરફથી શ્રી ચરણી અને પ્રેમા રાવતે શાનદાર બોલિંગ કરતાં 3-3 વિકેટ ઝડપી હતી.
ભારતની સૌથી મોટી જીત
પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 56 રનના સરળ લક્ષ્યાંકનો પીછો ભારતીય ટીમે માત્ર 8.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પૂર્ણ કરી લીધો હતો. આ સાથે ભારતે મહિલા T20 એશિયા કપ 2026માં સતત ત્રીજી જીત નોંધાવી. ટીમ ઈન્ડિયા શરૂઆતની 2 મેચ જીતીને અગાઉ જ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી હતી. પાકિસ્તાન સામેની આ જીતે સેમિફાઇનલ પહેલાં ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.
બોલિંગમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન
ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ શરૂઆતથી જ પાકિસ્તાની બેટર્સ પર દબાણ બનાવ્યું હતું. પાકિસ્તાનની બેટિંગ ભારતીય બોલિંગ સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.શ્રી ચરણી અને પ્રેમા રાવતે 3-3 વિકેટ લઈને પાકિસ્તાનની બેટિંગની કમર તોડી નાખી હતી. ભારતીય બોલરોએ પોતાની યોજના પ્રમાણે બોલિંગ કરી અને દુબઈની પીચનો પણ સારી રીતે ઉપયોગ કર્યો હતો.
માત્ર 8.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો
56 રનના નાના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. ભારતીય બેટર્સે માત્ર 8.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.પાકિસ્તાન સામે મળેલી આ જીત ભારતીય ટીમ માટે માત્ર વધુ 2 પોઇન્ટ મેળવવા પૂરતી નહોતી, પરંતુ સેમિફાઇનલ પહેલાં ટીમના આત્મવિશ્વાસ માટે પણ મહત્વપૂર્ણ રહી છે.
હરમનપ્રીત કૌર જીતથી ખુશ
મેચ બાદ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ટીમે મેચ પહેલાં જે યોજના બનાવી હતી, મેદાન પર ખેલાડીઓએ તે પ્રમાણે જ રમત બતાવી હતી.હરમનપ્રીત કૌરે કહ્યું કે આ મેચ ટીમ માટે ખૂબ મહત્વની હતી અને સમગ્ર ટીમે જે રીતે રમત બતાવી તેનાથી તે ખૂબ ખુશ છે. ભારતીય ટીમ હંમેશા આક્રમક ક્રિકેટ રમવાની વાત કરે છે અને પાકિસ્તાન સામે ખેલાડીઓએ તે વાતને મેદાન પર સાબિત કરી બતાવી.કેપ્ટને ભારતીય બોલરોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તમામ બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની યોજના પર ટકી રહીને બોલિંગ કરી. સાથે જ ખેલાડીઓએ પીચને સારી રીતે સમજીને તે પ્રમાણે પોતાની યોજના અમલમાં મૂકી હતી.
‘અમે જાણીએ છીએ કે આ ટીમ શું કરી શકે છે’
ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વગર સેમિફાઇનલમાં પહોંચી છે.આ અંગે હરમનપ્રીત કૌરે કહ્યું કે ટીમ માટે આ ખૂબ મહત્વનું છે, કારણ કે તેનાથી ટીમના ધોરણો ઊંચા રહે છે.તેમણે કહ્યું કે જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઉતરે છે ત્યારે દરેક ખેલાડી જાણે છે કે ટીમ શું કરી શકે છે. તે ખુશ છે કે ટીમના દરેક ખેલાડીને તક મળી રહી છે અને ખેલાડીઓ પોતાના પ્રદર્શનથી ટીમની જીતમાં યોગદાન આપી રહ્યા છે.હવે મહિલા T20 એશિયા કપ 2026માં ભારતની નજર સેમિફાઇનલ પર છે. ભારતીય ટીમ હવે ગ્રુપ-Bમાં બીજા ક્રમે રહેનારી ટીમ સામે સેમિફાઇનલ મેચ રમશે. ગ્રુપ-Bમાંથી ભારતની સામે કઈ ટીમ આવશે તેનો નિર્ણય હજુ થવાનો બાકી છે. ભારતીય ટીમ હાલના પ્રદર્શનને જાળવી રાખીને એશિયા કપનું ખિતાબ જીતવા માટે આગળ વધવા માગશે.
આ પણ વાંચો – IND W Vs PAK W: હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે ન મિલાવ્યો હાથ, નો હેન્ડશેક પોલિસી યથાવત
