દુલીપ ટ્રોફી 2026-27ની ફાઇનલમાં ઈસ્ટ ઝોનના યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા વચ્ચે મેદાન પર ગરમાગરમી જોવા મળી હતી. શરૂઆતમાં બંને ખેલાડીઓ વચ્ચે મજાક અને સ્લેજિંગના અંદાજમાં વાતચીત ચાલી રહી હતી, પરંતુ થોડા સમય બાદ આ વાતચીત ઉગ્ર બની ગઈ હતી. સ્થિતિ એવી બની કે અમ્પાયરોએ બંને ખેલાડીઓ વચ્ચે આવીને મામલો શાંત કરવો પડ્યો.આ ઘટના ઈસ્ટ ઝોનની પ્રથમ ઇનિંગની 11મી ઓવરમાં બની હતી. સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્મા સતત વૈભવ સૂર્યવંશી સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે વૈભવને વાઇસ કેપ્ટન હોવાને લઈને સ્લેજ પણ કર્યો હતો.
વાતચીત બાદ વધી ગરમાગરમી
શરૂઆતમાં સામાન્ય લાગતી આ સ્લેજિંગ થોડા જ સમયમાં ઉગ્ર ચર્ચામાં ફેરવાઈ ગઈ. તિલક વર્મા વૈભવ તરફ આગળ વધ્યા હતા અને હાથના ઇશારાથી પંચ કરવાની નકલ કરતા જોવા મળ્યા હતા. વૈભવે પણ પાછળ હટવાને બદલે તેમનો સામનો કર્યો હતો.બંને ખેલાડીઓ વચ્ચે તણાવ વધતો જોઈને અમ્પાયરોએ તરત જ હસ્તક્ષેપ કર્યો હતો. અમ્પાયરોએ બંનેને અલગ કર્યા અને પરિસ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવી હતી. મેદાન પર બનેલી આ ઘટનાએ ફાઇનલ દરમિયાન સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વૈભવના બેટે કર્યો ધમાકો
તિલક વર્મા સાથેની ગરમાગરમી પહેલાં વૈભવ સૂર્યવંશીનું બેટ જોરદાર બોલી રહ્યું હતું. ઈસ્ટ ઝોન માટે ઓપનિંગ કરતા વૈભવે અભિમન્યુ ઈશ્વરન સાથે મળીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી થઈ હતી.વૈભવે માત્ર 37 બોલમાં 44 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. તે અર્ધસદીથી માત્ર 6 રન દૂર હતો ત્યારે તેની ઇનિંગનો અંત આવ્યો.
શોર્ટ પિચ બોલ પર થયો આઉટ
ઝડપી બોલર ચામા મિલિન્દે વૈભવને શોર્ટ પિચ બોલ નાખ્યો હતો. વૈભવે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલમાં આવેલા વધારાના ઉછાળને કારણે બેટનો ઉપરનો કિનારો લાગ્યો હતો. બોલ મિડ-વિકેટ તરફ ગયો હતો.ડીપ સ્ક્વેર લેગ તરફ દોડીને તનય ત્યાગરાજને શાનદાર કેચ પકડીને વૈભવને પેવેલિયન મોકલી દીધો હતો. આ સાથે વૈભવની 44 રનની ઇનિંગનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો – Wahab Riaz : સિંધળી બળી પણ વળ ન છૂટ્યો, પાકિસ્તાનને હજૂ પણ છે ટ્રોફિ જીતવાના અભરખા
