રાજુલા વહીવટી તંત્રએ રાજ્ય સરકારના સફાઈ અભિયાનના પરિપત્રનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. દર મહિનાના પહેલા રવિવારે સઘન સફાઈ અને વૃક્ષારોપણ કરવાનું હોય છે, પણ રાજુલા તંત્રએ માત્ર ફોટો સેશન કરીને કામગીરી બતાવી દીધી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર પ્રમાણે, દર મહિનાના પહેલા રવિવારે ‘કેચ ધ રેઇન’ હેઠળ જળસંચય, વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલા રોપાઓ બદલવાના કાર્યક્રમો કરવાના હોય છે. આ સિવાય, જાહેર રસ્તાઓ, બજાર, ST બસ સ્ટેન્ડ, સરકારી કચેરીઓ, વરસાદી નાળા, ગટર અને કચરાના ઢગલાવાળી જગ્યાઓ પર સફાઈ કરવાની હોય છે. આ કાર્યક્રમો શહેરના વેપારીઓ અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને કરવા પણ પરિપત્રમાં જણાવાયું છે. જોકે, રાજુલા વહીવટી તંત્રએ આ અભિયાન હેઠળ માત્ર ફોટો સેશન કર્યું. રાજુલા પ્રાંત કચેરીના પટાંગણમાં, જ્યાં રોજ સફાઈ થાય છે અને સફાઈની જરૂર નથી, ત્યાં આ કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા પંચાયત કચેરી, આરોગ્ય વિભાગ, સામાજિક વનીકરણ વનવિભાગ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિતના લોકોએ અહીં ફક્ત ફોટો સેશન માટે સફાઈ કરી. આ સિવાય, પ્રાંત કચેરીમાં બંને તરફ ઘણા વૃક્ષો વાવેલા છે અને વર્ષોથી તેમની સારી રીતે દેખભાળ થાય છે. તેમ છતાં, ફરીથી ત્યાં જ 8થી 10 રોપા વાવવામાં આવ્યા. જ્યાં ખરેખર વૃક્ષારોપણની જરૂર છે તેવા બીજા વિસ્તારોમાં રોપા વાવવાને બદલે, ફરીવાર અહીં જ રોપા વાવવામાં આવ્યા. આ ફોટા વાયરલ થતા આખા શહેરમાં ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ, તંત્ર દ્વારા આ ફોટો સેશનને જિલ્લા કક્ષાએ સફાઈ અભિયાનની સફળ કામગીરી તરીકે રિપોર્ટ કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલીમાં રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા ભાજપ ટીમ અને નગરપાલિકા ટીમે ઠેબી ડેમ આસપાસ, જ્યાં ખરેખર વધુ કચરો હતો, ત્યાં સફાઈ કરી હતી. અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિતના લોકોએ અમરેલી ST બસ સ્ટેન્ડમાં પણ સફાઈ કરી. આ બતાવે છે કે અમરેલીમાં જ્યાં સફાઈની જરૂર હતી ત્યાં કામ થયું, જ્યારે રાજુલા શહેરમાં માત્ર ફોટો સેશન કરીને કાર્યક્રમ કર્યો હોવા છતાં જિલ્લા કક્ષાએ કામગીરી બતાવી દેવામાં આવી છે. સફાઈ હોવા છતા પ્રાંત કચેરીમાં સફાઈ કરતા આ અંગે રાજુલા મામલતદાર હરેશ પુરોહિતનો સંપર્ક કરતા કહ્યું કે, દર મહિને પ્રથમ રવિવારએ સફાઈ કરવાની જેમાં આ વખતે અમારી ઓફિસ પસંદ કરવામાં આવી હતી આજુબાજુમાં પણ સફાઈ કરી છે ઓઈફ્સની સામે બહાર પણ સફાઈ કરી છે દર વખતે અલગ અલગ વિસ્તાર પસંદ થશે.
રાજુલા તંત્રએ સફાઈ અભિયાનના સરકારી પરિપત્રનો ભંગ કર્યો:પ્રાંત કચેરીમાં જરૂર ન હોવા છતાં ફોટો સેશન કરી રોપા વાવ્યા, રિપોર્ટ સફળ બતાવ્યો
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
