નવસારીના શ્રી ચિંતામણી જૈન સંઘ ઉપાશ્રયમાં રવિવારે બપોરે બાળકોની શિબિર ચાલી રહી હતી. આ દરમિયાન એક મહિલા ચંપલ પહેરીને ઉપાશ્રયમાં ઘૂસી ગઈ હતી. તેણે સાધુ ભગવંત સાથે ગેરવર્તણૂક કરી હતી. જૈન સંઘના અગ્રણીઓએ આરોપ લગાવ્યો છે કે મહિલાએ નીચે ઉતરીને પાર્ક કરેલા બાઇક પાડી દીધા અને દરવાજા પર ઈંટો પણ ફેંકી. આ ઘટનાથી જૈન સમાજમાં ભારે રોષ છે. સાધુ ભગવંતે ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, તેમની રોજ બે શિબિર ચાલે છે. એક સવારે યુવકો માટે અને બીજી બપોરે બાળકો માટે. રવિવારે શિબિરનો છઠ્ઠો દિવસ હતો, જેમાં 55 થી 60 બાળકો હાજર હતા. કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મંત્ર અને પ્રાર્થના ચાલી રહી હતી. બાળકો ઉત્સાહમાં મોટા અવાજે બોલી રહ્યા હતા. ત્યારે સામે રહેતી એક મહિલા અયોગ્ય કપડાં અને ચંપલ પહેરીને સીધી ઉપાશ્રયમાં આવી ગઈ. તેણે ‘અવાજ બંધ કરાવો, આ નહીં ચાલે’ કહીને ખરાબ વર્તન શરૂ કર્યું. સાધુ ભગવંતે વધુમાં કહ્યું કે, મહિલાને સમજાવવામાં આવી કે આ ફક્ત 5 મિનિટની પ્રાર્થના છે. આ પવિત્ર દેવસ્થાન હોવાથી અહીં ચંપલ ન પહેરાય. નાના બાળકોએ પણ તેને વિનંતી કરી, છતાં તે બહાર જવા તૈયાર નહોતી. તેમણે કહ્યું કે, દેશમાં તમામ ધર્મો સહનશીલતાથી જીવે તો જ ચાલે. જૈનોની ઉદારતાને ક્યારેય કાયરતા ન સમજવી જોઈએ. શ્રી ચિંતામણી જૈન સંઘના અગ્રણી નીરવ શાહે જણાવ્યું કે, બપોરે અઢી વાગ્યે આચાર્ય ભગવંત પદ્મબોધિસૂરીશ્વરજી મહારાજની હાજરીમાં બાળકોની શિબિર ચાલી રહી હતી. ગેટની સામે રહેતી આ મહિલા ચંપલ પહેરીને ઉપાશ્રયમાં આવી. તેણે સાધુ મહારાજ સાહેબ સાથે ખરાબ રીતે વાત કરી. નીરવ શાહે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ઉપાશ્રયમાંથી નીચે ઉતર્યા પછી મહિલાએ બહાર પાર્ક કરેલી બાઇકો પાડી દીધી. તેણે તોડફોડ કરી અને સંઘના મુખ્ય દરવાજા પર ઈંટો ફેંકી હતી. આ મહિલા સામે અગાઉ પણ 8 થી 10 વખત પોલીસમાં લેખિત ફરિયાદો કરવામાં આવી છે. જોકે, આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. જૈન સંઘના જણાવ્યા મુજબ, પાડોશમાં રહેતી આ મહિલાના ઘરનું બાંધકામ પણ નિયમો વિરુદ્ધ છે. નગરપાલિકા દ્વારા અગાઉ ગેરકાયદેસર દાદર હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે દાદર દૂર કરવાને બદલે ત્યાં ઈંટો મૂકીને વધુ ચણતર કરી દેવામાં આવ્યું હોવાનો આરોપ પણ સંઘના અગ્રણીઓએ કર્યો છે. જૈન સમાજની કાયમી ઉકેલની માગ
જૈન સંઘના આગેવાનો અને શ્રાવકોએ રોષ વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક અનુષ્ઠાનોમાં સહયોગ આપવાના બદલે અવારનવાર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થાય છે. હવે આ મામલે તંત્ર અને પોલીસ દ્વારા કોઈ કાયમી અને કડક નિરાકરણ લાવવામાં આવે તેવી સંઘની સ્પષ્ટ માંગ છે.
આ ઘટનામાં ગેરકાયદે બાંધકામનો પણ વિવાદ હોવાનું સામે આવ્યું છે.
નવસારી જૈન ઉપાશ્રયમાં મહિલાએ ચંપલ પહેરી સાધુ સાથે ગેરવર્તણૂક કરી,:બાળકોની શિબિર વખતે હંગામો, દરવાજા પર ઈંટો ફેંક્યાનો આક્ષેપ; જૈન સમાજમાં રોષ
📅 Published: September 6, 2026 |
📂 Category: gujarati-news
