Dwarka: દ્વારકા પોલીસે જાહેરનામાના ભંગ બદલ નોંધ્યો ગુનો, ન્યૂઝીલેન્ડથી આવેલા અને સુરતમાં રહેતા રાહુલ વસતાપરાની અટકાયત

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

યાત્રાધામ દ્વારકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ જગત મંદિરની સુરક્ષા અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારના કેમેરા, મોબાઈલ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર કાયદાકીય પ્રતિબંધ છે. તેમ છતાં જન્માષ્ટમીના મહાપર્વ દરમિયાન દર્શનાર્થે આવેલો એક યુવક સજ્જડ સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં ચોરીછૂપીથી પોતાનો મોબાઈલ ફોન મંદિર પરિસરમાં લઈ ગયો હતો.

દ્વારકા જગત મંદિરમાં સુરક્ષા ચૂંકનો મામલો

આ યુવકે મંદિર પરિસરની અંદરનો વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જગત મંદિર પરિસરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું હતું.સુરક્ષામાં ભંગના આ મામલાને દ્વારકા પોલીસે ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે વીડિયો વાયરલ કરનાર રાહુલ વસતાપરા નામના યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. પકડાયેલો રાહુલ વસતાપરા મૂળ ન્યૂઝીલેન્ડનો યુવક છે અને હાલ સુરતમાં રહે છે.

આરોપીની કબૂલાત અને પોલીસ કાર્યવાહી

પોલીસ પકડમાં આવ્યા બાદ રાહુલ વસતાપરાએ સ્વીકાર્યું હતું કે તેણે અજાણતા આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. દ્વારકા પોલીસે મંદિર પરિસરમાં મોબાઈલ પર પ્રતિબંધ હોવા છતાં નિયમ તોડવા બદલ આરોપી સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ગિરફ્તમાં આવ્યા બાદ રાહુલ વસતાપરાએ એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને પોતાની ભૂલ બદલ જાહેર માફી પણ માગી છે.

આ પણ વાંચો: Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; ‘મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *